Gujarat Election 2022: કડવા પાટીદાર સમાજે શરુ કર્યું લોબિંગ, ભાજપ પાસે સૌરાષ્ટ્રમાં 10 સીટોની કરી માંગણી
રાજકોટ પશ્વિમ, ધોરાજી, જામજોધપુર, મોરબી સહિત 10 બેઠકો પર કડવા પાટીદાર (Patidar) સમાજને પ્રાધાન્ય મળે તેવી રજૂઆત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, અગાઉ જયરામ પટેલે કડવા પાટીદારનું સંમેલન બોલાવી યોગ્ય પ્રભુત્વની માગ કરી હતી.
વિધાનસભાની ચૂંટણીમાં પોતાના સમાજના ઉમેદવારોને ટિકિટ આપવા જ્ઞાતિ અગ્રણીઓની માગ ઉઠી છે. લેઉવા પાટીદારો બાદ કડવા પાટીદારનું લોબિંગ શરૂ થતા રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારોને ટિકિટ ફાળવવા સૂર ઉઠ્યો છે. કડવા પાટીદાર સમાજના અગ્રણી જયરામ પટેલે ભાજપ પાસે સૌરાષ્ટ્રમાં 10 ટિકિટ આપવાની માગ કરી છે. રાજકોટ પશ્વિમ, ધોરાજી, જામજોધપુર, મોરબી સહિત 10 બેઠકો પર કડવા પાટીદાર સમાજને પ્રાધાન્ય મળે તેવી રજૂઆત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, અગાઉ જયરામ પટેલે કડવા પાટીદારનું સંમેલન બોલાવી યોગ્ય પ્રભુત્વની માગ કરી હતી.
ગત રોજ નરેશ પટેલે કરી હતી બંધ બારણે બેઠક
રાજકોટના જસદણમાં શૈક્ષણિક ભવન ખાતે સમસ્ત પટેલ સમાજની બેઠક યોજાઈ. ખોડલધામના ચેરમેને નરેશ પટેલે સમાજના આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. સમાજને લગતા પ્રશ્નોની ચર્ચા કરી હોવાની નરેશ પટેલે વાત કરી હતી. જોકે ચૂંટણી જાહેર થયાની વચ્ચે મોવડી મંડળની બેઠકની લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નરેશ પટેલે અમિત શાહ સાથેની મુલાકાતને નકારી કાઢી હતી. કહ્યું રમેશ ટીલાળા અને હું અમદાવાદ પારિવારિક સંબંધના તુલસી વિવાહના પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા.
અગાઉ નરેશ પટેલે પીએમ મોદી સાથે કરી હતી મુલાકાત
નરેશ પટેલે જણાવ્યુ કે અમદાવાદમાં દિનેશભાઈ કુંભાણી અમારા ટ્રસ્ટી છે. તેમને ત્યાં તુલસીવિવાહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમને આમંત્રણ હતુ. એ કાર્યક્રમમાં માત્ર હાજરી આપવા ગયા હોવાનું નરેશ પટેલે જણાવ્યુ હતુ. આ પહેલા નરેશ પટેલે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાતને પણ તેમણે માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. આ મુલાકાતને લઈને ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. જેમાં જણાવ્યુ હતુ કે માત્ર ખોડલધામમાં ધજા ચડાવવા માટે પીએમને આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. આ મુલાકાતને રાજકીય ગતિવિધિઓ સાથે કંઈ લેવાદેવા ન હોવાની ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશ ટિલાળાએ સ્પષ્ટતા કરી હતી.