ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 25 વર્ષથી જુના મિત્રો એટલેકે JDU ના નીતીશકુમાર અને BTP ના છોટુ વસાવા ફરી એક મંચ ઉપર આવવાના મામલે ભારતીય ટ્રાઇબલ પાર્ટીમાં તડાં પડ્યા છે. એક તરફ આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાએ સોમવારે બે રાજકીય પક્ષ એક મંચ ઉપર આવી રહ્યા હોવાની જાહેરાત કરી નાખી તો બીજી તરફ BTP સુપ્રીમો મહેશ વસાવાએ ગઠબંધન છોટુ વસવાનો અંગત નિર્ણય હોવાનું જણાવી સત્તાવાર જાહેરાતનો છેદ ઉડાવી દીધો હતો. ત્રણ દાયકા ઉપરાંતના રાજકીય સફરમાં પહેલીવાર છોટુ વસાવા પરિવારમાં આ પ્રકારે વિરોધાભાષી નિવેદનો સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઝગડીયા બેઠકની ઉમેદવારી છોટુ વસાવા કોઈ વારસદારને સોંપે તેવી અટકળો શરૂ થઇ હતી જે બાદ વસાવાએ પત્રકાર પરિષદ યોજી આ અહેવાલ તેમની વિરુદ્ધનું દુષ્પ્રચારનું કાવતરું હોવાનું જણાવ્યું હતું.
5 વર્ષ બાદ ફરી BTP _ JDU એક મંચ ઉપર આવી રહ્યા હોવાના અહેવાલ વહેતા થયા છે. ગુજરાતની ચૂંટણીમાં આપના કેજરીવાલ બાદ હવે JDU ના નીતિશ કુમારની પણ એન્ટ્રી સાથે ભાજપને ભીંસમાં લેવાની તૈયારીઓ શરૂ કરાઈ હતી. વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણી પેહલા નિતીશકુમારે બિહારમાં ભાજપ સાથે હાથ મિલાવતા 27 વર્ષથી JDU સાથે જોડાયેલા ઝઘડિયાના MLA અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ છોટુ વસાવાએ JDU સાથે છેડો ફાડી નાખ્યો હતો.છોટુ વસાવા ફરી જુના મિત્ર તરફ ઝુકાવ બતાવી રહ્યા છે ત્યારે તેમના પુત્ર અને BTP અધ્યક્ષ મહેશ વસાવા નિર્ણય સ્વીકારવાના મૂડમાં નથી. મહેશ વસાવાએ પિતા છોટુ વસાવા સામે નિવેદન આપતા ગઠબંધન છોટુ વસવાનો અંગત નિર્ણય હોવાનું જણાવી સત્તાવાર જાહેરાતનો છેદ ઉડાવી દીધો હતો.