ગુજરાતમાં(Gujarat) અમદાવાદના જમાલપુરના કોંગ્રેસના(Congress) ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ હિજાબ(Hijab) મુદ્દે હાઈકોર્ટના ચુકાદાને આવકાર્યો છે. તેમણે કહ્યું કે સૌએ શાળામાં શિક્ષણ મેળવવામાં જ ધ્યાન આપવું જોઈએ. જ્યારે તો દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે યુપી ચૂંટણીને લઈ બિનજરૂરી વિવાદ ઉભો કરાયો હતો. કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે પોતાના ચુકાદામાં કહ્યું કે હિજાબ પહેરવું એ ઈસ્લામમાં આવશ્યક ધાર્મિક પ્રથાનો ભાગ નથી. એમ કહીને હાઈકોર્ટે મુસ્લિમ વિદ્યાર્થિનીઓને ક્લાસમાં હિજાબ પહેરવાની છૂટ આપતી અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પરના પ્રતિબંધને પણ માન્ય રાખ્યો હતો. ત્રણ ન્યાયાધીશોની બેન્ચે કહ્યું કે શાળાના ગણવેશનો નિયમ વાજબી પ્રતિબંધ છે અને બંધારણીય રીતે માન્ય છે, જેના પર વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રશ્ન ઉઠાવી શકાય નહીં.
ખંડપીઠે એમ પણ કહ્યું હતું કે સરકારને 5 ફેબ્રુઆરી, 2022ના સરકારી આદેશ જાહેર કરવાનો અધિકાર છે અને તેને અમાન્ય રાખવાનો કોઈ કેસ નથી. આ આદેશમાં, રાજ્ય સરકારે તે કપડાં પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે, જે શાળા અને કોલેજોમાં સમાનતા, અખંડિતતા અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડે છે. મુસ્લિમ યુવતીઓએ આ આદેશને કર્ણાટક હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
1 જાન્યુઆરીએ, ઉડુપીની એક કોલેજની છ વિદ્યાર્થીનીઓએ કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી અને હિજાબ પહેરીને ક્લાસરૂમમાં પ્રવેશવા પર પ્રતિબંધ હોવા બદલ કોલેજ પ્રશાસન સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ ક્રિષ્ના એસ દીક્ષિત અને જસ્ટિસ જેએમ ખાજીની ખંડપીઠે મંગળવારે આદેશનો એક ભાગ વાંચીને કહ્યું હતું કે, “અમારું માનવું છે કે મુસ્લિમ મહિલાઓ દ્વારા હિજાબ પહેરવું ઇસ્લામ ધર્મમાં એ આવશ્યક ધાર્મિક પ્રથાનો ભાગ નથી.”
આ પણ વાંચો : Rajkot: સૌરાષ્ટ્રની પ્રથમ સ્કીન બેંક શરૂ થશે, ગંભીર રીતે દાઝેલા અને અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે
આ પણ વાંચો : Surat: ક્રાઇમ બ્રાન્ચનો નકલી અધિકારી બની લોકો પર રોફ જમાવતો શખ્સ ઝડપાયો, બે ડુપ્લીકેટ આઈ કાર્ડ મળી આવ્યા