BJP ને ન્યાયમાં નહીં, માત્ર વોટમાં રસ ! બાપુનગરમાં કાર્યકર્તાના હત્યારાઓને પક્ષમાં આવકારતા સર્જાયો ‘ભારે વિવાદ’
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભાજપના નવા વોર્ડ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે એક રાજકીય વિવાદ સર્જાયો છે. આ કાર્યક્રમમાં વર્ષ 2025માં ભાજપના જ કાર્યકર્તાની હત્યા કરનાર આરોપીઓને ધારાસભ્ય દિનેશ કુશવાહ દ્વારા પક્ષનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં મંગળવારના રોજ ‘બાપુનગર વોર્ડ’ના ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વર્ષ 2025માં થયેલી હત્યાના કેસના બે આરોપીઓનું ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.
24 એપ્રિલ 2025ના રોજ ભાજપના જ કાર્યકર્તા વિશાલ શ્રીમાળીની હત્યા થઈ હતી, જે અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ હત્યાના આરોપી ‘હર્ષદ સોલંકી અને હિંમત સોલંકી’, જેઓ અગાઉ કોંગ્રેસના આગેવાન હતા, તેઓને ધારાસભ્ય દિનેશ કુશવાહ દ્વારા ખેસ પહેરાવી પક્ષમાં આવકારવામાં આવ્યા હતા.
આમ, ભાજપના જ કાર્યકર્તાની હત્યાના આરોપીઓને ભાજપના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે વિધિવત રીતે પક્ષમાં જોડવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે, આ વિવાદ બાદ ઘણા કાર્યકર્તાઓના અને સામાન્ય જનતાના મનમાં એક જ સવાલ હતો કે, શું ભાજપ હવે ‘હત્યારાઓની પાર્ટી‘ બની ગઈ?