ગુજરાત ATSએ દિલ્હીમાં મોટુ ઓપરેશન પાર પાડ્યુ છે. 8 કિલો હેરોઈન સાથે એક અફઘાનિસ્તાનના નાગરિકની નવી દિલ્હી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ હેરોઈનની કિંમત અંદાજે 40 કરોડ રૂપિયા છે. અમન નામના અફઘાનિસ્તાની નાગરિકેે ઓક્ટોબર મહિનામાં 50 કિલો હેરોઈન પાકિસ્તાનથી મગાવ્યુ હતુ. જે તે સમયે ગુજરાત ATS એ છ પાકિસ્તાની સાથે દરિયામાંથી બોટ પકડી 50 કિલો હેરોઇન કબ્જે કર્યું હતુ.
હાલ ગુજરાત એટીએસએ અફઘાનિસ્તાની નાગરિકને પકડી આ હેરોઈન ક્યાંથી આવ્યુ તે દિશામાં પૂછપરછ હાથ ધરી છે. આટલી મોટી માત્રામાં તેને આ હેરોઈન કોની પાસેથી મેળવ્યુ તેમજ તે કોના માટે કામ કરી રહ્યો છે. આ હેરોઈનને ક્યાં લઈ જવાનુ હતુ તે તમામ દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.
અગાઉ ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ એક સંયુક્ત ઓપરેશન પાર પાડીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યુ હતુ. ICG અને ગુજરાત ATSએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીકથી 50 કિલો હેરોઈન ડ્રગ્સ સાથે અલ-સાકર નામની એક પાકિસ્તાની બોટ ઝડપી પાડી હતી. આ હેરોઈનના જથ્થાની કિંમત અંદાજે 350 કરોડ રૂપિયા છે. ICG અને ગુજરાત ATSની ટીમે બોટમાં સવાર 6 લોકોની ધરપકડ કરી હતી અને બોટને આગળની તપાસ માટે જખૌ બંદરે લાવવામાં આવી રહી હતી. હવામાન ખરાબ હોવા છતાં ICGએ ગુજરાત ATS સાથે મળીને કપરૂ મિશન પૂરૂ કર્યું. આ બોટ અને ડ્રગ સંબંધિત વધુ માહિતી માટે એજન્સીએ તપાસ શરૂ કરી છે. છેલ્લા એક વર્ષમાં ICG અને ATSએ મળીને છ મોટા ઓપરેશન પાર પાડ્યા છે.
Published On - 9:32 pm, Thu, 10 November 22