ગુજરાતમાં કોરોનાના કેસોની સુનામી આવી છે. ખૂબ જ તીવ્ર ગતિથી કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. હવે રાજયના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી બાદ હવે કૃષિ પ્રધાન રાઘવજી પટેલ (Raghavji Patel) પણ કોરોના સંક્રમિત (Corona positive) થયા છે. રાઘવજી પટેલ બીજી વાર કોરોના સંક્રમિત થયા છે
રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલનો રવિવારે એટલે કે આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાઘવજી પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને જાણકારી આપી છે અને તેમના સંપર્કમાં જે પણ લોકો આવ્યા છે તેમને પોતાનો કોરોના રિપોર્ટ કરાવી લેવા અપીલ કરી છે.
આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો દેખાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
છેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું.
— Raghavji Patel (@RaghavjiPatel) January 23, 2022
રાઘવજીભાઈ કોરોનાની બીજી લહેર વખતે પણ સંક્રમિત થયા હતા, તે સમયે તેઓને જામનગરની જી.જી. કોવિડ હોસ્પિટલ બાદ અમદાવાદ ખસેડાયા હતા, સારવાર બાદ તેઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા હતા. આજરોજ રાઘવજીભાઈને શરદી જેવા સામાન્ય લક્ષણો જણાતા તબીબોની સલાહ મુજબ તેઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝીટીવ આવતા સંપર્કમાં આવેલા લોકોને પણ ટેસ્ટ કરાવી લેવા તેમણે અપીલ કરી છે.
કૃષિપ્રધાન રાઘવજી પટેલ છેલ્લા ઘણા સમયથી લોકો સાથે વિવિધ કાર્યક્રમમાં જોડાયા હતા અને ખાસ કરીને લોક દરબારનું પણ બે દિવસ પહેલાં જામનગર સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પણ લોકોની મોટી ભીડ એકઠી થઈ હતી. આ ઉપરાંત જિલ્લામાં કલેક્ટર અને કમિશ્નર પણ કોરોનાથી સંક્રમિત છે.
બે દિવસ પહેલા ભાજપ નેતા અને મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, આ સિવાય ભાજપના સાંસદ પૂનમ માડમ, સાંસદ ભરતસિંહ ડાભી કોરોના સંક્રમિત થયા છે. તમામ હોમ આઇસોલેશનમાં છે
બીજી તરફ કોંગ્રેસના બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ , કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, પ્રતાપ દૂધાત અને અનિલ જોશીયારા કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-