Breaking News : ઐતિહાસિક ઉછાળા બાદ સોના-ચાંદીમાં ભારે કડાકો, સોનામાં પણ એક દિવસમાં ₹8 હજારથી વધુનો ઘટાડો

| Updated on: Feb 02, 2026 | 7:20 PM

સોના અને ચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો. ચાંદીમાં એક જ દિવસમાં રૂપિયા 32 હજારનો ઘટાડો. વાયદા બજારમાં એક કિલો ચાંદીની કિંમત 2 લાખ 33 હજાર રૂપિયા પર પહોંચી. સોનામાં પણ એક દિવસમાં 8 હજારથી વધુનો ઘટાડો નોંધાયો. 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ 38 હજાર પર પહોંચ્યો.

29 જાન્યુઆરીએ સોના-ચાંદીએ ઐતિહાસિક સપાટી કૂદાવી હતી. એક કિલો ચાંદી 4.01 લાખ પર, જ્યારે 10 ગ્રામ સોનું 1.69 લાખ પર પહોંચ્યું હતું. પરંતુ, તે બાદથી સતત બન્ને જાણે ઊંધા માથે પટકાયા હોય તેવો ઘાટ છે. છેલ્લા ત્રણ દિવસમાં ચાંદી 40 ટકા જેટલી સસ્તી થઈ ગઈ છે. તો સોનામાં પણ 18 ટકાનો ઘટાડો નોંધાયો છે. એકાએક થયેલા આ ઘટાડા પાછળ અનેક પરિબળો જવાબદાર મનાઈ રહ્યા છે. નિષ્ણાતોના મતે હાલ સોના-ચાંદી ઐતિહાસિક સપાટી હતી ત્યારે રોકાણકારોએ મોટાપાયે પ્રોફિટ બુક કર્યો. રોકાણકારોએ સોનું-ચાંદી વેચતા ભાવમાં હવે કડાકો બોલ્યો છે. તો બીજી તરફ સોનાની ફિઝિકલ ડિમાન્ડ નબળી પડી છે. તેના ઔદ્યોગિક ઉપયોગને લઈને પણ ચિંતાઓ વધી છે. અને તેની અસર કિંમત પર પડી છે. તો હાલ માર્કેટની જે સ્થિતિ છે તેને જોતા નિષ્ણાતોનો મત છે કે સોના-ચાંદીમાં રોકાણ કરતાં પહેલા સતર્ક રહેવું જરૂરી છે. નિષ્ણાતો ભાવમાં ઘટાડાની અને ટુકડે-ટુકડે રોકાણની સલાહ આપી રહ્યા છે. તો સાથે જ રોકાણ માટે ખરીદી કરનારા લોકો માટે સોનાના ઘરેણાને બદલે સોનાના સિક્કા કે ડિજિટલ ગોલ્ડમાં રોકાણના વિકલ્પને શ્રેષ્ઠ ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો: સોનાના ભાવમાં મોટો ખેલ! શું તોતિંગ ઘટાડા બાદ બદલાશે આખો ટ્રેન્ડ? એક નવા રિપોર્ટે બજારમાં હલચલ મચાવી દીધી