Gir Somnath: રાજ્યમાં તીર્થ સ્થાનો પર ગેરકાયદે દબાણો હટાવવાનો સિલસિલો યથાવત, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સોમનાથમાં કરાયુ મેગા ડિમોલિશન-Video

|

Oct 09, 2023 | 10:06 AM

Gir Somnath: સોમનાથમાં રવિવાર વહેલી સવારથી અનધિકૃત દબાણો પર મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણોને તોડી પાડવામાં આવ્યા અને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. સતત 30 વર્ષથી કરાયેલા દબાણોને નોટિસ આપી તોડી પાડવામાં આવ્યા હતા.

Gir Somnath: રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલે જ્યારથી મુખ્યમંત્રી તરીકે આવ્યા, ત્યારથી એક કામગીરી ખૂબ જોરશોરથી થઈ રહી છે અને તે છે દબાણો પર બુલડોઝર ચઢાવી દેવાની. દ્વારકાથી લઈને કચ્છ સુધી. ધાર્મિક સ્થળોથી લઈને શહેરી વિસ્તારો સુધી. જેણે દબાણના નામે વર્ષોથી દાદાગીરી કરી તેમની મનમાની ચાલશે નહીં.

આ કડક સંદેશ રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે દબાણ કામગીરી કરીને આપવામાં આવી રહ્યો છે. આ કામગીરી અવિરત ચાલુ છે. હવે આ બુલડોઝર ફર્યું છે ગીર સોમનાથમાં.

અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન થયું ગીર સોમનાથમાં. તીર્થ સ્થાનોમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવાનો સીલસીલો યથાવત્ છે અને આ જ કામગીરી થોડા વિરામ બાદ ફરી હાથ ધરાઈ છે.. જ્યાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વેરાવળ સોમનાથ રોડ પર ગેરકાયદે બાંધકામો હટાવાયા છે. દબાણો હટાતા જ 5 હજાર ચોરસ મીટર સરકારી જગ્યા ખુલ્લી થઈ છે. આ દબાણો આજ-કાલના ન હતા. સતત 30 વર્ષથી દબાણો કરેલા હતા અને નોટિસ પણ અપાઈ હતી. આખરે DySP સહિત 550 પોલીસ જવાનો તૈનાત કરાયા અને તોડી પડાયા દબાણો.

આ પણ વાંચો: Gir Somnath: સોમનાથમાં ચોપાટી પર ગટરનું ગંદુ પાણી છોડાતા યાત્રિકો પરેશાન, ટ્રસ્ટ દ્વારા PM મોદી અને અમિત શાહને કરાઈ રજૂઆત-Photos

આ પહેલીવાર નથી કે, યાત્રાધામોમાં કરાયેલા દબાણો દૂર કર્યા હોય. આ સિલસિલો તો ગયા વર્ષથી ચાલુ છે. ઓક્ટોબરની 14 તારીખથી દ્વારકામાં બિનઅધિકૃત દબાણો દૂર કરાઈ રહ્યા છે.. બેટ દ્વારકામાં દબાણ દૂર કરાયા હતા અને લગભગ 120થી વધુ કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારમાં દબાણ દૂર કરી 3 લાખ ફૂટ જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી હતી.

હમણાં સપ્ટેમ્બર મહિનામાં પાવાગઢમાં પણ મેગા ડ્રાઈવ યોજાઈ હતી. પાવગઢના માચીમાં જિલ્લા પંચાયત હસ્તની 4 હેક્ટર જમીનમાં વર્ષોથી દબાણો કરાયા હતા. આ પહેલા મે મહિનામાં કચ્છમાં આવેલા યાત્રાધામ કોટેશ્વરમાં પણ બુલડોઝર ફરી વળ્યા હતા. 36 જેટલી ગેરકાયદે દુકાનોને નોટિસ પાઠવ્યા બાદ દૂર કરાઈ હતી.

ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:02 am, Mon, 9 October 23

Next Video