ગીર સોમનાથ : ચૂંટણી પહેલા જ નેતાઓના વિવાદિત નિવેદનોની શરૂઆત થઈ ગઈ છે. ગીરસોમનાથમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકારી અધિકારીઓને લઈને વિવાદિત નિવેદન કર્યું છે. વિમલ ચુડાસમાએ વેરાવળના સરપંચ સન્માન કાર્યક્રમમાં કહ્યું કે, 2022માં કોંગ્રેસની સરકાર બન્યા બાદ સરકારી અધિકારીઓનો અમે હિસાબ કરીશું. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને અન્યાય કરનારા સરકારી અધિકારીને અમે ઘરે બેસાડી દઈશું. વિમલ ચુડાસમાએ દાવો કર્યો કે, અત્યારે સરકારી કાર્યક્રમો ભાજપ પક્ષના હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના ખેસ પહેરીને સરકારી કાર્યક્રમ ઉજવાય છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, સરકારી કાર્યક્રમમાં કોંગ્રેસના હોદ્દેદારોને બોલાવાતા નથી. ઘણીવાર તો ધારાસભ્યોને પણ આમંત્રણ અપાતું નથી. આ ઘટનાઓ ટાંકતા તેમણે કહ્યું કે, ભાજપ માત્ર અધિકારીઓની બદલી કરશે. પરંતુ કોંગ્રેસ તેમને ઘરે બેસાડી દેશે.
અગાઉ પણ વિમલ ચુડાસમા વિવાદમાં આવી ચુકયા છે
નોંધનીય છેકે ગીરસોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા આ અગાઉ પણ અનેકવાર વિવાદોમાં રહી ચુકયા છે. ગત વરસે માર્ચ મહિનામાં ગુજરાત વિધાનસભાની કાર્યવાહી ચાલી રહી હતી. ત્યારે કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા રાઉન્ડનેકનું કાળા રંગનું ટીશર્ટ પહેરીને આવ્યા હતા. આ ટીશર્ટ ઉપર Free Spirit એવું લખેલું હતું. અંગ્રેજીમાં Spiritનો મતલબ ‘શરાબ’ તથા ‘જુસ્સો’ એવો પણ થાય છે.એ સમયે ગૃહના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ગૃહની ગરિમા જળવાય તે રીતના કપડાં પહેરીને આવવા માટે ચુડાસમાને જણાવ્યું હતું. અને ટીશર્ટ પહેરીને ગૃહની કાર્યવાહીમાં ન બેસવા માટે જણાવ્યું હતું.
આ પણ વાંચો : JAMNAGAR: મહાનગરપાલિકામાં વિપક્ષના નેતાની નિમણૂક, અગાઉથી પત્ર લીક થઈ જતાં કોંગ્રેસની આબરુ ગઈ