નર્મદા: ગરુડેશ્વરના 89 ગામોમાં આદિવાસી પરિવારો અપનાવી રહ્યા છે મફત રાંધણ ગેસ અને ગ્રીન એનર્જી

| Edited By: | Updated on: May 17, 2026 | 6:28 PM

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં 1000 આદિવાસી પરિવારોને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે બાયોગેસ પ્લાન્ટનો મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જેમાં 665 પરિવારોના રસોડા અત્યાર સુધીમાં સંપૂર્ણપણે ધુમાડા મુક્ત બન્યા છે.

વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિને પગલે ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ સતત વધી રહ્યા છે. મોંઘવારીના આ સમયમાં નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં ઊર્જા ક્રાંતિના મંડાણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2025 માં રાષ્ટ્રીય એકતા દિવસે કરેલી જાહેરાત મુજબ, અહીં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી તેજ બની છે. આ પ્રોજેક્ટ હેઠળ તાલુકાના 89 ગામોના 665 આદિવાસી પરિવારોના રસોડા ધુમાડા મુક્ત બન્યા છે અને તેઓ મફતમાં રાંધણ ગેસ મેળવી રહ્યા છે.

આ યોજના હેઠળ લઘુત્તમ ત્રણ પશુ ધરાવતા પરિવારોને 2 ઘન મીટર ક્ષમતાના પ્લાન્ટ ફાળવવામાં આવ્યા છે. દરરોજ 50 કિલો છાણના ઉપયોગથી ઉત્પન્ન થતો ગેસ, લોકોને મોંઘા સિલિન્ડરના ખર્ચમાંથી મુક્તિ અપાવે છે. સ્થાનિક મહિલાઓના જણાવ્યા મુજબ, આ પહેલથી લાકડા વીણવાની મહેનત ઘટી છે અને ધુમાડાથી થતા આંખોના રોગોમાં મોટી રાહત મળી છે. આ ઉપરાંત, પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી ખેતી માટે શ્રેષ્ઠ કુદરતી ખાતર બને છે.

આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા પ્રતિ પ્લાન્ટ 30 હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે. જિલ્લા પંચાયત અને ડીઆરડીએ (DRDA) દ્વારા બાકી રહેલા 335 યુનિટ્સ સ્થાપવાની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે. આ ગ્રીન એનર્જી પ્રોજેક્ટથી કુલ 1000 આદિવાસી પરિવારો આર્થિક રીતે સધ્ધર બનવાની સાથે પર્યાવરણ સુરક્ષામાં પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે.

લાખોનું ફર્નિચર મિનિટોમાં બની જશે માટીનો ઢગલો, જાણો કેમિકલ વગર ઘરની ઉધઈને જડમૂળથી ખતમ કરવાનો દેશી જુગાડ

Follow Us