રાજ્યભરમાં ગેરકાયદે કરાયેલા દબાણો દૂર કરવાની કામગીરી અવિરતપણે ચાલુ છે. જેમા ગાંધીનગરમાં પેથાપુર-રાંધેજા રોડ ર આવેલી ગેરકાયદે દરગાહને પણ તોડી પાડવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા અગાઉ આ દરગાહની જમીનના આધાર પુરાવાઓ રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. આ સમય મર્યાદામાં જવાબ ન મળ્યા બાદ આજે વહેલી સવારે મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા દરગાહને તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા દરગાહના સંચાલકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું હતું કે દરગાહ જે જમીન પર આવેલી છે તેના માલિકી અને કાયદેસર આધાર પુરાવા રજૂ કરવામાં આવે. જો કે ચોક્કસ સમય મર્યાદામાં કોઈ પુરાવા રજૂ કરવામાં ન આવતા તંત્ર દ્વારા આજે વહેલી સવારે દરગાહને તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી.
મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ગેરકાયદે દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું. ભારે મશીનરીની મદદથી રોડની બાજુમાં આવેલું આ બાંધકામ દૂર કરવામાં આવ્યું. ડિમોલિશનમાં કોઈપણ પ્રકારની સ્થિતિ વણસે નહીં તેને ધ્યાને રાખી સઘન પોલીસ બંદોબસ્ત સાથે દરગાહ તોડવાની કામગીરી કરાઈ હતી. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. આ સાથે ફાયરના જવાનોને પણ તકેદારીના ભાગરૂપે હાજર રખાયા હતા.
રાજ્યભરમાં જ્યાં ક્યાંય પણ ગેરકાયદે દબાણ કરવામાં આવેલા છે તેના પર તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. તંત્રનું સ્પષ્ટ કહેવુ છે કે ગેરકાયદે દબાણ કરનારાઓ સામે કડક હાથે જ કામગીરી કરવામાં આવી રહી છે. સરકારી જમીન હોય કે જાહેર રસ્તા પર કરાયેલા દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. જેમા ધાર્મિક બાંધકામો પણ બાકાત નથી.
Input Credit- Himanshu Patel- Gandhinagar
Published On - 5:36 pm, Thu, 18 December 25