નવી શિક્ષણનીતિ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ધોરણ 1 પહેલા બાલવાટિકા શરૂ કરવામાં આવશે. બાલ વાટિકાને લઈને સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. સરકારી અને ખાનગી સ્કૂલોએ તેમના સ્કૂલ કેમ્પસમાં જ બાલ વાટિકા શરૂ કરવાની રહેશે. 1 જુન 2023 સુધીમાં જે બાળકોને 6 વર્ષ પૂર્ણ થતા હશે તેમને જ ધોરણ 1માં પ્રવેશ આપવાનો રહેશે. બાલવાટિકા માટે પીટીસી કરેલા શિક્ષકોની નિયુક્તિ કરી શકાશે.
રાજ્ય સરકાર 6 વર્ષથી નાના બાળકો માટે સરકારી તેમજ અનુદાનિત અને ખાનગી શાળાઓમાં બાલવાટિકા શરૂ કરશે. આ અંગે હવે રાજ્ય શિક્ષણવિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ મુજબ 1લી જૂનના રોજ જે બાળકના છ વર્ષ પૂર્ણ થતા હશે તેમને જ ધોરણ 1ની અંદર પ્રવેશ આપવામાં આવશે. આ સ્થિતિમાં રાજ્યના લાખો બાળકો એવા છે જેમનુ સિનિયર કેજી પૂર્ણ કરી થઈ ગયુ છે. પરંતુ 6 વર્ષ પૂર્ણ થતા ન હોવાથી આ બાળકો ધોરણ 1માં પ્રવેશ મેળવી શકતા નથી.
6 વર્ષ પૂર્ણ ન થતા હોય તે બાળકોને ધ્યાનમાં રાખીને વચગાળાના નિર્ણય તરીકે રાજ્ય સરકાર દ્વારા બાલવાટિકા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને એ અંગેનો પરિપત્ર પણ રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવ્યો છે. આ બાલવાટિકામાં 1લી જૂન 2023ના રોજ જે બાળકોએ 5 વર્ષ પૂર્ણ કર્યા હશે. એવા બાળકોને આ વર્ષથી જ બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. આ સંદર્ભનો પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય B.Ed અને PTC કરેલા શિક્ષકોને બાલવાટિકામાં શિક્ષણ આપવુ એ અંગેની નોંધ પણ પરિપત્રમાં દર્શાવાઈ છે.
મહત્વપૂર્ણ છે કે નવી શિક્ષણનીતિ અંતર્ગત રાજ્ય સરકારે 5+3+4નું એક માળખુ પસંદ કર્યુ છે, જેમા પ્રિપ્રાઈમરી શિક્ષણને પણ પ્રાથમિક શિક્ષણમાં ગણવુ એ પ્રકારની નોંધ કરવામાં આવી છે.
ઈનપુટ ક્રેડિટ- નરેન્દ્ર રાઠોડ