કચ્છ જિલ્લાના ગાંધીધામ અને આદિપુરના મોટાભાગના રસ્તાઓ બિસ્માર બન્યા છે. આદિપુરથી ગાંધીધામને જોડતો મુખ્ય માર્ગ રામબાગ હોસ્પિટલથી સિંધુ ભવન સુધી રોડની હાલત ખરાબ છે. આદિપુર રેલવે સ્ટેશનથી રાજવી ફાટક સુધીના રોડની હાલત દયનીય છે. જેના કારણે આદિપુરથી ગાંધીધામ અવરજવર કરવામાં લોકો ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તો બીજી તરફ ગાંધીધામના સુભાષનગર, ભારતનગર, મહેશ્વરી નગર, ગોપાલપુરી અને સુંદરપુરી સહિત સમગ્ર શહેરમાં રસ્તા હાલત ખસ્તા છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ખરાબ રસ્તાઓના સમારકામના આયોજન અંગે જાણકારી આપી કે. ખરાબ રસ્તાઓની સમસ્યાને નિવારવા માટે બે તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે. જેમા પ્રથમ તબક્કામાં વરસાદને કારણે જે રસ્તાનું ધોવાણ થયુ છે તેનુ સમારકામ કરાઈ રહ્યુ છે. જ્યારે બીજા તબક્કામાં જે રસ્તાઓ પહેલેથી જ બિસમાર હાલતમાં છે તેનુ સમારકામ કરવામાં આવશે. જો કે હજુ સુધી એકપણ રસ્તાનું સમારકામ થયુ નથી અને રસ્તા પરના ખાડાને કારણે વાહનચાલકોને કમરના તેમજ મણકાના દુખાવાની સમસ્યા વધી રહી છે. બીજી તરફ અવારનવાર વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
ટેક્સ ભરવા છતા લોકોને સારા રસ્તા પણ ન મળતા સ્થાનિકોનો રોષ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે.