ગંભીરા બ્રિજ: સુરક્ષાના સાધનો વિના કામ કરાવતા શ્રમિક 10 ફૂટ ઊંચાઈથી પટકાયો, ગંભીર ઈજા
ગંભીરા બ્રિજ પાસે નવા બ્રિજના નિર્માણ દરમિયાન સેફ્ટીના નિયમો નેવે મૂકી કામ કરાવતા એક શ્રમિક ઊંચાઈ પરથી પટકાયો છે, જેને ગંભીર હાલતમાં વડોદરા ખસેડાયો છે.
વડોદરા આણંદને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી અને ઘણા લોકોના મોત નિપજ્યાં હતા. જો કે, તે બ્રિજને ફરીથી કાર્યરત કરવાની કામગીરી ચાલી રહી હતી અને એવા સમયે કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે મોટી ઘટના સર્જાઈ છે. કોલમ પર સેન્ટિંગ કામ કરી રહેલો શ્રમિક યુવક સુરક્ષા સાધનોના અભાવે 10 ફૂટની ઊંચાઈથી નીચે પટકાતા ઈજાગ્રસ્ત થયો હતો.
કન્સ્ટ્રક્શન સાઈટ પર શ્રમિકો પાસે હેલ્મેટ કે સેફ્ટી બેલ્ટ વિના જોખમી કામ કરાવવામાં આવતું હોવાનું ખુલ્યું છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે વડોદરા હોસ્પિટલ ખસેડાયો છે. તંત્ર દ્વારા સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન બદલ કોન્ટ્રાક્ટર સામે તપાસના આદેશ અપાયા છે.