નસવાડીની લિંડા આદિજાતિ શિક્ષણ સંકૂલના ભોજનમાં ઇયળ નીકળતા વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો

| Edited By: | Updated on: Dec 14, 2021 | 9:36 AM

બપોરના ભોજનમાં ઈયળ નીકળતા વિદ્યાર્થિનીઓ રોષે ભરાઈ હતી અને થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. નિવાસી શાળામાં 1200 જેટલી વિદ્યાર્થિની રહે છે. વિદ્યાર્થિનીને ગુણવત્તા વગરનું ભોજન અપાતું હોવાનો આરોપ છે.

CHHOTA UDEPUR : છોટાઉદેપુરમાં નસવાડીની લિંડા આદિજાતિ શિક્ષણ સંકૂલના ભોજનમાં ઇયળ નીકળતા વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો. બપોરના ભોજનમાં ઈયળ નીકળતા વિદ્યાર્થિનીઓ રોષે ભરાઈ હતી અને થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. નિવાસી શાળામાં 1200 જેટલી વિદ્યાર્થિની રહે છે. વિદ્યાર્થિનીને ગુણવત્તા વગરનું ભોજન અપાતું હોવાનો આરોપ છે. વિદ્યાર્થિનીઓએ કેમેરા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી. આ દરમિયાન તેમની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. વિદ્યાર્થિનીનો આરોપ છે કે, આ એક દિવસ નથી કે તેમની થાળીમાં ઈયળ નીકળી છે. છેલ્લા ચાર દિવસથી આ ક્રમ ચાલું છે. આ અંગે રજૂઆત છતાં કોઈ પગલાં લેવાતા નથી.

ભોજનમાં ઈયળ નીકળવા મુદ્દે સવાલ ઉઠ્યા છે કે, શું માતા-પિતાથી દૂર રહેતી બાળકીઓને આવું જ ભોજન આપવામાં આવે છે ? રસોઈ કરતી વખતે આટલી મોટી ઈયળ કેમ ન દેખાઈ ? શું અધિકારીઓને માસૂમ બાળકીઓના આ આંસુ દેખાશે ? બાળકીઓનું સ્વાસ્થ્ય ખરાબ થશે તો તેના માટે જવાબદાર કોણ ? અધિકારીઓ પોતાની AC ચેમ્બર છોડીને બાળકીઓ માટે સારી વ્યવસ્થા ગોઠવશે ? શું અધિકારીઓ અને નેતાઓ બાળકીઓ માટે બનેલું ભોજન જમશે ? તેમજ આટલી મોટી બેદરકારી બદલ જવાબદારો સામે પગલાં લેવાશે ? ઉલ્લેખનીય છે કે, આ બાળકીની જમવા અને રહેવાની વ્યવસ્થા ટ્રાયબલ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

એટલું જ નહીં બાળકીઓનો આરોપ છે કે, તેમને વાલીઓને પણ મળવા દેવામાં આવતા નથી. નિવાસી શાળામાં મોટી સંખ્યામાં બાળકીઓ રહેતી હોવાથી વાલીઓ તેમને મળવા આવે છે. આરોપ છે કે, ગેટ પાસેથી જ વાલીઓને પરત મોકલી દેવામાં આવે છે. બીજી તરફ પ્રિન્સીપાલ હજુ પણ ભોજન બનાવનારા ઈજારેદારોને સૂચના આપી દીધી હોવાનું જણાવી રહ્યા છે. તેમજ વાલીઓને બાળકી સાથે મુલાકાતની કોઈ મનાઈ ન હોવાનો દાવો કરી રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતની વધુ એક સિદ્ધી : દેશમાં ટોચના 12 નિકાસકાર જિલ્લાઓમાં ગુજરાતના 6 જિલ્લાનો સમાવેશ

આ પણ વાંચો : BHAVNAGAR : ભાદેવાની શેરીમાં મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત, 3 લોકો ઈજાગ્રસ્ત થયા