સાબરકાંઠાઃ પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા, જુઓ

|

Jun 25, 2024 | 7:31 PM

સાબરકાંઠામાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદ ચાલુ વર્ષે નોંધાયો છે. ખાસ કરીને હિંમતનગર અને ખેડબ્રહ્મા તથા ઈડર અને વડાલીમાં વરસ્યો છે. હવે પ્રાંતિજ અને તલોદમાં પણ વરસાદ વરસે અને રાહત સર્જાય એવી રાહ ખેડૂતો જોઈ રહ્યા છે.

સાબરકાંઠા જિલ્લામાં ચોમાસુ વરસાદ વરસતા જિલ્લાના મોટાભાગના ખેડૂતો રાહત અનુભવી રહ્યા છે. પરંતુ પ્રાંતિજ અને તલોદ તાલુકામાં વરસાદ વિના ખેડૂતો ચિંતામાં છે. વિસ્તારમાં ખેડૂતો વાવણી માટે જમીન તૈયાર કરી બેઠા છે, પરંતુ એક વરસાદ વરસે એની રાહ જોવાઈ રહી છે.

પ્રાંતિજ અને તલોદ તાલુકામાં ખેતી સારી થાય છે. ખાસ કરીને પ્રાંતિજમાં ફ્લાવર અને કોબિજ સહિત ડાંગરનો પાક સારા પ્રમાણમાં થાય છે. ચોમાસામાં આ વિસ્તારમાં ડાંગરની વાવણી મોટા પ્રમાણમાં થતી હોય છે. તો વળી ફુલાવર અને કોબિજની ખેતી પણ મોટા પ્રમાણમાં થતી હોય, તેની તૈયારીઓ પણ ચોમાસાની શરુઆતથી જ થવા લાગતી હોય છે. પરંતુ હાલ તો વરસાદ ખેંચાવાની સ્થિતિને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

જમીન ખેડાઈ ગઈ, પરંતુ વરસાદ વિના ચિંતા

ખેડૂતોએ ચોમાસાને લઈ જમીન ખેડીને તૈયાર રાખી છે. જેથી વરસાદ આવતા જ ખેડૂતો જોમ જૂસ્સા સાથે ખેતીની તૈયારીઓ પૂરજોશમાં હાથ ધરે. પરંતુ હાલ તો ખેડેલી જમીનમાં કોરા માટીના ઢેફા જોઈને ખેડૂતોને જીવ બળી રહ્યો છે. એક તરફ ગરમી અને ઉકળાટ ઓછો થતો નથી. બીજી તરફ વરસાદ વરસતો નથી. આવી સ્થિતિમાં વાવણી માટે મોંઘા ભાવના બિયારણથી શાકભાજી માટે તૈયાર કરેલ રોપા થવાને બદલે બિયારણના અંકુર પણ ફુટીને બળી જઈ રહ્યા છે. આમ બિયારણ અને દવાનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે.

ગત વર્ષના પ્રમાણમાં આટલો વરસાદ

આ વર્ષે પ્રાંતિજ તાલુકામાં 25 જુન સુધીમાં માત્ર 11 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે તલોદ તાલુકમાં માત્ર 4 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જે ગત વર્ષે 25 જુન સુધીમાં પ્રાંતિજમાં ત્રણ ઈંચ જેટલો એટલે કે 70 મીમી તથા તલોદમાં 64 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે આ વરસે હજુ કોરાધાકોર રીતે જુન મહિનાના દિવસો પસાર થઈ રહ્યા હોવાને લઈ ખેડૂતોની ચિંતા વધી જવા પામી છે.

જિલ્લામાં સાબરકાંઠામાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદ ચાલુ વર્ષે નોંધાયો છે. ખાસ કરીને હિંમતનગર અને ખેડબ્રહ્મા તથા ઈડર અને વડાલીમાં વરસ્યો છે. હવે પ્રાંતિજ અને તલોદમાં પણ વરસાદ વરસે અને રાહત સર્જાય એવી રાહ ખેડૂતો જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: કુવૈતથી પરત ફરેલા અલ્પેશ પટેલે સંભળાવી આપવીતી, દવા-સાબુ માંગે તો પણ બેરહેમ માર પડતો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:35 pm, Tue, 25 June 24

Next Video