Purushottam Upadhyay Death : સંગીત સમ્રાટ પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન, 90 વર્ષની વયે મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ
જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું મુંબઈ ખાતેના તેમના નિવાસસ્થાને નિધન થયું છે. 90 વર્ષની ઉંમરે પુરુષોત્તમ ઉપાધ્યાયે અંતિમ શ્વાસ લીધા છે. પુરુષોત્તમ ઉપાધ્યાયની વિદાયથી સંગીત રસિકો અને કલા જગતમાં શોકની લાગણી પ્રસરી છે.
સુગમ સંગીત સમ્રાટ પુરુષોત્તમ ઉપાધ્યાય હવે આપણી યાદોમાં રહેશે. ગુજરાતના ગૌરવ સમાન ગાયક અને જાણીતા સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું મુંબઈ ખાતેના તેમના નિવાસસ્થાને નિધન થયું છે. 90 વર્ષની ઉંમરે પુરુષોત્તમ ઉપાધ્યાયે અંતિમ શ્વાસ લીધા છે. પુરુષોત્તમ ઉપાધ્યાયની વિદાયથી સંગીત રસિકો અને કલા જગતમાં શોકની લાગણી પ્રસરી છે.
15 ઓગસ્ટ, 1934માં ખેડાના ઉત્તરસંડામાં જન્મેલા પુરુષોત્તમ ઉપાધ્યાયને નાનપણથી સંગીત સાંભળવાનો અને ગાવાનો શોખ હતો. સ્કૂલ દરમિયાન તેમને સંગીતમાં અનેક અવોર્ડ્સ મળ્યા. તેમને ભણવા કરતાં સંગીતમાં વધુ રસ હતો એટલે પરિવારમાં કોઈને કહ્યા વગર સંગીતમાં કરિયર બનાવવા મુંબઈ જતા રહ્યા. જોકે, ત્યાં એટલું પ્રોત્સાહન ના મળતા પાછા વતન આવ્યા.
તેમણે નાટક કંપનીમાં નાના-મોટા રોલ કરવાની શરૂઆત કરી. ત્યાર બાદ તેમણે સંગીતની દુનિયામાં મોટી નામના મેળવી. ગુજરાતી કવિતાઓને સ્વર અને સૂરબંધ કરવામાં તેમણે અમૂલ્ય ફાળો આપ્યો છે. ગુજરાતી સુગમ સંગીત ઉપરાંત ગઝલ-ગાયનમાં પણ લોકપ્રિય થયા. બોલિવૂડ સંગીતકાર કલ્યાણજી-આણંદજી સાથે પુરુષોત્તમ ઉપાધ્યાય પણ મ્યૂઝિક આપતા. લતા મંગેશકર, આશા ભોસલે અને મહમ્મદ રફી જેવા સિંગર્સે પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે કામ કર્યું હતું.