Banaskantha : ભૂવાઓનું તૂત ઠેકાણે પડી ગયુ, અંધશ્રદ્ધાની આડમાં ગોલા ગામના પરિવાર પાસેથી પડાવેલા લાખો રુપિયા પરત કર્યા

|

Dec 16, 2022 | 1:14 PM

Banaskantha news : હવે ભૂવાઓનો રુપિયા લેતો વીડિયો વાયરલ થયા બાદ તેમણે આ પરિવારની માફી માગી લીધી છે અને પરિવારને તેમના તમામ 36.10 લાખ રોકડ અને 1.70 લાખના દાગીના પરત કર્યા છે.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગોલા ગામે ભુવાએ એક પરિવાર પાસેથી અંધશ્રદ્ધાની આડમાં લીધેલા લાખો રુપિયા પરત કરી દીધા છે. બે ભાઈઓ પાસેથી આ ભૂવાએ રુપિયા 36.10 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના પડાવ્યા હતા. જો કે ભૂવાઓનો રુપિયા લેતો વીડિયો વાયરલ થતા ભૂવાએ માફી માગી રૂપિયા બંને ભાઇઓને પરત આપ્યા છે. ભૂવાએ 36.10 લાખ રોકડ અને 1.70 લાખના દાગીના પરત કર્યા છે.

શું હતી સમગ્ર ઘટના ?

બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ધાનેરાના ગોલા ગામે અંધશ્રદ્ધામાં એક પરિવારના લાખો રૂપિયા લૂંટાઈ ગયા હોવાનું સામે આવ્યું હતુ. દુઃખ દૂર કરવાના બહારને 5 ભૂવાઓએ એક પરિવાર સાથે છેતરપિંડી આચરી હતી. પરિવારને જ્યારે છેતરાયાનો અહેસાસ થયો ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. જોકે રૂપિયા પરત મેળવવા માટે હવે પરિવારે પોલીસની મદદ લીધી. ત્યારે હવે ભૂવાઓનો રુપિયા લેતો વીડિયો વાયરલ થયા બાદ તેમણે આ પરિવારની માફી માગી લીધી છે અને પરિવારને તેમના તમામ 36.10 લાખ રોકડ અને 1.70 લાખના દાગીના પરત કર્યા છે.

પરિવારે પોલીસમાં કરી હતી ફરિયાદ

મળતી માહિતી પ્રમાણે, પારિવારિક પ્રશ્નોથી કંટાળેલા પરિવારના બે ભાઈઓએ 5 ભૂવા બોલાવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, 82 વર્ષ અગાઉ તેમના ઘરે માતા મૂકી હોવાથી ચેહર માતાની બાધા રાખવી પડશે. ભૂવાની વાતોમાં આવેલા પરિવારને થોડા સમય માટે સારું થઈ જતાં ભોળવાઈ ગયો હતો. જેથી પરિવારના બે ભાઈઓએ 35 લાખ રૂપિયા ઉછીના લાવીને 5 ભૂવાને આપ્યા હતા. સાથે 1.70 લાખની ચાંદીની પાટો પણ આપી હતી. પરિવારે તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. છેતરપિંડીનો આભાસ થતા પરિવારે 5 ભૂવા વિરૂદ્ધ ધાનેરા પોલીસને અરજી આપી હતી.

મહત્વનું છે કે આધુનિક સમયમાં લોકો અંધશ્રદ્ધાથી દૂર રહેવાની વાતો તો ખૂબ કરતા જોવા મળે છે. પરંતુ પરિવારમાં જ્યારે કોઈ સમસ્યા આવે ત્યારે વિશ્વાસ, મહેનત અને શ્રદ્ધાથી કામ લેવાની જગ્યાએ અંધશ્રદ્ધા પર વિશ્વાસ મૂકે છે. જેના કારણે એક સુખી-સંપન્ન પરિવારને પણ દુઃખમાં ધકેલાવાનો વારો આવે છે.

Next Video