VIDEO : બનાસકાંઠા જિલ્લામાં મેઘતાંડવને પગલે ઠેર- ઠેર તારાજી, નાણી ગામ ટાપુમાં ફેરવાયું

| Edited By: | Updated on: Aug 18, 2022 | 11:07 AM

નાણી ગામમાં આકાશી આફતે વિનાશ વેરતા TDO, મામલતદાર, સહિતના તંત્રના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની ટ્રેક્ટર પર બેસીને મુલાકાત લીધી હતી.

બનાસકાંઠા જિલ્લામાં (Banaskantha) મેઘતાંડવને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે. લાખણી તાલુકાના (lakhani Taluka) નાણી ગામના 50 થી વધુ પરિવારોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા તેમને સ્થળાંતરિત કરવાની ફરજ પડી હતી. છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા વરસાદને (Heavy rain) કારણે સમગ્ર નાણી ગામ એક ટાપુમાં ફેરવાઇ ગયું છે. નાણી ગામને અન્ય ગામો સાથે જોડતા માર્ગો પર પણ 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાઇ ગયા છે. જેને કારણે સમગ્ર ગામ સંપર્કવિહોણું બન્યું છે. ત્યારે ગામના સ્થાનિકો પણ આ પરિસ્થિતિમાં સરકાર અસરગ્રસ્તોને સહાય કરે તેવી માગ કરી રહ્યા છે.

તમામ મદદ પૂરી પાડવાનું તંત્રનું આશ્વાસન

તમને જણાવી દઈએ કે, નાણી ગામમાં આકાશી આફતે વિનાશ વેરતા TDO, મામલતદાર, સહિતના તંત્રના અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની ટ્રેક્ટર પર બેસીને મુલાકાત લીધી હતી. તેમજ સ્થાનિકોને જરૂરી તમામ મદદ પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું.

પાલનપુર-આબુ રોડ પર પાણી ભરાતા બંધ કરાયો

બનાસકાંઠામાં મુશળધાર વરસાદને પગલે પાલનપુર-આબુ રોડ (Palanpur -Abu) બંધ કરાયો છે. જેમાં નેશનલ હાઇવે ઓથોરિટીને પાણીનો નિકાલ કરવાની સૂચના આપી છે. તેમજ રોડ પર પાણી ભરાતા 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી છે. આ ઉપરાંત બનાસકાંઠાના આબુ પાલનપુર નેશનલ હાઈવેની આસપાસ મસમોટા ખાડા હોવાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.વરસાદના કારણે ખાડામાં પાણી ભરાતા વાહનો પણ ફસાયા છે.કરોડોના ખર્ચે તૈયાર થયેલા નેશનલ હાઇવેની હાલત દયનિય બની છે.નેશનલ ઓથોરિટીને રજૂઆત કરવા છતાં ખાડા પૂરવામાં ન આવતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.

દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક

રાજ્યમાં સાર્વત્રીક ધોધમાર વરસાદ  વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને પગલે બનાસ નદી બે કાંઠે વહી રહી છે.દાંતીવાડા ડેમમાં 63,556 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. વરસાદ અને પાણીની આવકના કારણે ડેમની જળસપાટી 580.50 ફૂટ પર પહોંચી ગઈ છે. પાણીની આવક અને જળસપાટીમાં વધારો થતા તમામ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. બાલારામ અને વિશ્વેશ્વર નદીમાં પાણીની આવક વધતા ડેમમાં નવા નીર આવ્યા છે.

Published on: Aug 18, 2022 09:35 AM