Ahmedabad : ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના વધુ એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. નશાના આ ઓનલાઈન રેકેટમાં નવી જ મોડેસ ઓપરેન્ડી સામે આવી છે. જે સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા કેનેડા, અમેરિકા અને થાઈલેન્ડથી ભારતના જુદા-જુદા વિસ્તારોમાં ડ્રગ્સ પહોંચાડતા હતા.
જેમાં અમદાવાદ, સુરત અને વડોદરા પણ સામેલ છે. સાયબર ક્રાઈમે ડ્રગ્સ મંગાવનાર 4 ડ્રગ્સ માફિયાઓની ઓળખ પણ કરી લીધી છે. એટલું જ નહીં ડ્રગ્સ પેડલર્સ અને ડ્રગ્સ ખરીદનારાઓને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. ડ્રગ્સ પાર્સલ બોક્સ પર અલગ-અલગ એડ્રેસ જોવા મળ્યા હતા.
ડ્રગ્સ ઘૂસાડવાની નવી મોડેસ ઓપરેન્ડી સાંભળીને તમારા હોશ ઉડી જશે. વિદેશથી આંતરરાષ્ટ્રીય કુરિયર કંપની દ્વારા ડ્રગ્સ માફિયા ભારતમાં ડ્રગ્સ મોકલતા હતા. તેઓ ડાર્ક વેબ અને સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરતા હતા. ડ્રગ્સ માફિયા પુસ્તકો અને રમકડાં દ્વારા પાર્ટીમાં ડ્રગ્સ મોકલતા હતા. પુસ્તકોના પાના ડ્રગ્સમાં પલાળીને કુરિયર કંપની દ્વારા તેની ડિલિવરી કરતા હતા.
આ રીતે ડ્રગ્સ પેડલર પાસે પુસ્તક પહોંચતું. ત્યારબાદ પુસ્તકના ઝીણા ટુકડા કરીને પાણીમાં ઉકાળવાથી કોકેઈન નીકળતું હતું. અમેરિકાથી 20 પાર્સલ આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં પુસ્તકો, રમકડાં, વિદેશી કોકેઈન અને સિન્થેટિક વિદેશી ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. સાયબર યુનિટ અને કસ્ટમ વિભાગે 2.31 લાખની કિંમતના 2.31 ગ્રામ કોકેઇન સહિત કુલ 46.08 લાખ રૂપિયાનું 5.97 કિલો ડ્રગ્સ જપ્ત કર્યો છે.