દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મંગળવારે અંકલેશ્વરમાં માસ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જુદા જુદા વિસ્તારોમાં મોટી અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. જે દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. જો કે અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં મીટર બાયપાસ કરી વીજ ચોરી બહાર આવતા કેટલાક સ્થાનિકોએ હોબાળો શરૂ કર્યો હતો. 50 થી 60 લોકોનું ટોળુ વીજ અધિકારીઓ અને ટીમો સાથે ઘર્ષણ પર ઉતરી આવ્યુ હતુ. અંકલેશ્વર A ડિવિઝન પોલીસે ટોળા વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
ભરૂચના અંકલેશ્વરમાં DGVCLની ટીમ પર હુમલો થયો છે. ત્યારે અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં DGVCLની ટીમ પર લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. વીજ ચેકિંગ દરમિયાન પોલીસની ટીમ સાથે હતી, તેમ છતા ઘર્ષણ સર્જાયું હતું. ડિજિવિસીએલ દ્વારા 8 ટીમ બનાવી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન આ ઘટના બની હતી. ઘર્ષણ બાદ વધુ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ અંકલેશ્વર A ડિવિઝન પોલીસે ટોળા વિરૂદ્ધ રાયોટિંગ અને સરકારી કામમાં અડચણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને વીડિયો રેકોર્ડીંગ અને CCTVના આધારે તપાસ શરૂ કરી છે.