જુનાગઢમાં કાળવા ચોકમાં હાથ ધરાયેલી ડિમોલિશન કામગીરી સવાલોના ઘેરામાં, મોટા માથાના ગેરકાયદે દબાણો કેમ નથી તોડાતા ?- વીડિયો
જુનાગઢમાં કાળવા ચોકમાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ અને કાળવા ચોકમાં આવેલા વોકળામાં કરાયેલા તમામ ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી સવારથી આંરભી દેવાઈ હતી. જો કે અહીંના સ્થાનિકોનો આરોપ છે કે નાના માણસોના મકાનો તોડી પાડવામાં આવ્યા અને મોટા માથાએ કરેલા દબાણોને અડવાની પણ તંત્રની હિંમત નથી.
જુનાગઢમાં કાળવા ચોકમાં વોકળા પર કરાયેલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ હતુ. મહાનગરપાલિકાની દબાણ હટાવો ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સવારથી જ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ અગાઉ 120 લોકોને નોટિસ આપવામાં આવી હતી. જે લોકોના મકાનો પર તંત્રનું બુલડોઝર ફર્યુ તેઓ ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા હતા. આ લોકોનો આક્ષેપ છે કે તંત્ર મોટા માથાના દબાણો હટાવતુ નથી, જે ક્યાંય નડતરરૂપ નથી તેવા નાના લોકોના મકાનો તોડી સરકારને કામગીરી બતાવી રહી છે.
મોટા માથા દ્વારા ગેરકાયદે ઉભી કરાયેલી મોટી મોટી બિલ્ડિંગો નથી તોડતુ તંત્ર
સ્થાનિકોનો તંત્ર સામે સીધો આક્ષેપ છે કે તેઓ અહીં છેલ્લા 50-60 વર્ષથી રહે છે અને અત્યાર સુધીમાં ત્રણવાર તેમના મકાનો આ રીતે અલગ અલગ નોટિસો આપીને તોડી પાડવામાં આવ્યા છે. તેમનો આરોપ છે કે અહીં મોટા માથાઓ દ્વારા મોટી મોટી બિલ્ડિંગો બનાવી દેવામાં આવી છે તેને ક્યારેય કંઈ થતુ નથી. તંત્રને મોટા માથાએ કરેલા દબાણો હટાવવામાં બિલકુલ રસ નથી. તંત્ર તેમની કામગીરી બતાવવા માત્ર ગરીબ શ્રમજીવી લોકોને હાથો બનાવી રહ્યા છે. અહીંના સ્થાનિકોની ફરિયાદ છે કે જે લોકોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે તે દરેક શ્રમજીવી મજૂરી કરતા માણસો છે.
બેફામ ઉભા કરી દેવાયેલા બાંધકામને કારણે પૂરની સ્થિતિ સર્જાતી હોવાનો વિપક્ષનો આરોપ
આપને જણાવી દઈએ કે ગત વર્ષે ચોમાસાની ઋતુમાં જુનાગઢમાં આવેલા પૂર પાછળ વોકળામાં કરવામાં આવેલા આ ગેરકાયદે દબાણોને જ કારણભૂત ગણાવાયા હતા. કાળવા ચોકમાં આવેલો વોકળો એ ખરેખર લેન્ડ રેકોર્ડ પર નદી છે અને જુનાગઢ શહેરનું પાણી અહીંથી જ વહી જતુ હતુ. પરંતુ બેફામ ઉભા કરી દેવાયેલા બાંધકામને કારણે પાણી રોકાઈ જતુ હોવાથી શહેરમાં પૂરની સ્થિતિ સર્જાતી હોવાનો વિપક્ષનો આક્ષેપ છે. ત્યારે જોવુ રહ્યુ કે નાના માણસોના ઝૂંપડા તોડી દબાણો દૂર કરવાનુ સંતોષ માનતુ તંત્ર ગેરકાયદે ઉભી કરી દેવાયેલી ઈમારતો પર પર ક્યારે બુલડોઝર ફેરવે છે?
Input Credit- Vijaysinh Parmar- Junagadh
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો