Gujarat Election 2022: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં, આગમન સાથે જ કહ્યુ,’ભાજપના શાસનથી પ્રજા પરેશાન’, ગુજરાત માટે પહેલી ગેરેંટીની કરશે જાહેરાત

|

Jul 21, 2022 | 11:49 AM

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ સુરતમાં સસ્તી વીજળીને (Electricity) લઇને મોટી જાહેરાત કરી શકે છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly elections) લઇને દરેક પક્ષોએ હવે ગુજરાતની (Gujarat) મુલાકાત વધારી દીધી છે. તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. એવામાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ સુરતમાં સસ્તી વીજળીને લઇને મોટી જાહેરાત કરી શકે છે. અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે છે. ત્યારે સુરતમાં તેઓ આજે પ્રેસ કોન્ફરન્સ યોજશે. જેમાં તેઓ દિલ્હી, પંજાબ બાદ હવે ગુજરાતમાં પણ સસ્તી વીજળીની જાહેરાત કરી શકે છે.

અરવિંદ કેજરીવાલ બપોરે કરશે મહત્વની જાહેરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીએ પણ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે સુરતની મુલાકાતે આવેલા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રજાજનોને ચૂંટણીલક્ષી પ્રથમ ગેરંટી આપશે. અરવિંદ કેજરીવાલ બપોરે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. જેમાં તેઓ ગુજરાતની પ્રજા માટે મહત્વની જાહેરાત કરશે. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આપની સરકાર બનશે તો ક્યા એજન્ડા પર કામ થશે તે અંગે માહિતી આપશે. કેજરીવાલ કતારગામ વિસ્તારમાં વીજળી સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં સહકારી ક્ષેત્રના દિગ્ગજો પણ ઉપસ્થિત રહેશે. કેજરીવાલ સમાજના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ સાથે પણ બેઠક કરી શકે છે.

આપના ગુજરાતમાં પકડ મજબૂત કરવા પ્રયત્નો

અરવિંદ કેજરીવાલની ગુજરાતમાં આ એક મહિનામાં બીજી વારની મુલાકાત છે. જેને જોતા એ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે, ગુજરાતમાં AAP એડીચોટીનું જોર લગાવી રહ્યુ છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે આપની પકડ મજબૂત બને તે માટે અરવિંદ કેજરીવાલ દ્વારા પુરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલ 20 જુલાઇના રોજ સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમણે મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ હતુ કે, 27 વર્ષના ભાજપ શાસનથી પ્રજા પરેશાન છે. જો ગુજરાતમાં આપની સરકાર આવશે તો તેમને ખાસ સુવિધાઓ આપવામાં આવશે. જેની જાહેરાત અરવિંદ કેજરીવાલ બપોરે 1 વાગ્યે કરશે.

Next Video