Corona: ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, જો કે મોતના આંકડા ડરામણા

|

Jan 25, 2022 | 8:52 AM

ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થયો હોવાની વાત ભલે થોડી રાહત આપનારી હોય પણ કોરોનાથી વધેલા મોતના આંકડા તમને ડરાવી શકે છે.

ગુજરાતમાં કોરોના કેસ (Corona case)નો ગ્રાફ ધીરે-ધીરે ઘટી રહ્યો છે. માત્ર બે દિવસમાં જ નવા કેસમાં 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને નવા કેસની સંખ્યા ઘટીને 14 હજાર નીચે પહોંચી છે. જો કે એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 25 દર્દીના મોત (Death from corona) થયા હોવાનું સામે આવ્યુ છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થયો હોવાની વાત ભલે થોડી રાહત આપનારી હોય પણ કોરોનાથી વધેલા મોતના આંકડા તમને ડરાવી શકે છે. 24 જાન્યુઆરીએ કોરોનાથી 25 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. છેલ્લા થોડા દિવસથી પણ કોરોનાથી મોતના આંક સતત નોંધાઈ રહ્યા છે. જે ત્રીજી લહેર કેટલી ગંભીર છે તેની સાબિતી આપે છે.

24 જાન્યુઆરીએ રાજ્યમાં કોરોનાના 13,805 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 4,361 કેસ નોંધાયા છે અને અમદાવાદમાં સર્વાધિક 6 દર્દીના મૃત્યુ થયા છે તો વડોદરા શહેરમાં કોરોના નવા 2,534 કેસ સામે આવ્યા અને 3 દર્દીઓના મોત થયા છે. સુરત શહેરમાં પણ 1,136 નવા કેસ અને 3 દર્દીના મોત થયા છે. રાજકોટ શહેરમાં 889 નવા કોરોના દર્દી મળ્યા અને 2 દર્દીએ જીવ ગુમાવ્યા છે તો વડોદરા જિલ્લામાં 721 નવા કેસ નોંધાયા અને એક વ્યક્તિનું મોત થયું છે.

ગાંધીનગરમાં 325 કેસ મળ્યા છે. ભાવનગર શહેરમાં 295 કેસ નોંધાયા અને એક દર્દીનું મોત થયું છે તો કચ્છમાં 282 નવા મામલા સામે આવ્યા અને એક વ્યક્તિનું મોત થયું છે. જામનગરમાં 140 નવા કેસ સામે આવ્યા, જ્યારે ત્રણ લોકોના મોત થયા છે. મહેસાણા અને વલસાડમાં કોરોનાની સ્થિતિ સતત વિકટ થઈ રહી છે. મહેસાણામાં કોરોનાના 231 નવા દર્દી મળ્યા અને એકનું મોત થયું છે તો વલસાડમાં 141 નવા કેસ નોંધાયા અને એક દર્દીનું મોત થયું છે.

બીજી તરફ રાજ્યમાં પાછલા 24 કલાકમાં 13,469 દર્દી સારવાર બાદ સ્વસ્થ થયા છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના 1 લાખ 35 હજારથી વધુ એક્ટિવ કેસ છે. જે પૈકી 284 કોરોના દર્દી વેન્ટીલેટર પર સારવાર હેઠળ છે અને 1 લાખ 34 હજારથી વધુ દર્દીની સ્થિતિ સ્થિર છે.

આ પણ વાંચો- અમદાવાદના નાગરિકો પર સફાઈના નામે વધી શકે છે ટેક્સ, જાણો નાગરિકો પર કેટલો બોજ વધી શકે

આ પણ વાંચો- ખેડા : ગુજરાતના 10 હજાર ગામોમાં રમત ગમતના મેદાનો અને પુસ્તકાલયોને વિકસાવવાનું કામ કરાશે : કેબિનેટ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણ

Next Video