ડાંગમાં સતત બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે નેકલેસ પોઈન્ટનો સુંદર નજારો સામે આવ્યો છે. વરસાદી સીઝનમાં અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. આથી જ આ કુદરતી સૌદર્યને માણવા માટે અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટતા હોય છે.
ડાંગમાં વનદેવીના નેકલેસ તરીકે જાણીતા નેકલેસ પોઈન્ટનો સુંદર નજારો સામે આવ્યો છે. ડાંગમાં સતત બે દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે નદીઓમાં પાણીની આવક વધી છે. અંબિકા, ખાપરી, ગીરા અને પુર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે. ગીરા નદીના કેચમેન્ટ એરિયામાં નદીનું વહેણ જોવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે. યુ ટર્ન પોઈન્ટનો નયનરમ્ય નજારો હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ડાંગમાં અખૂટ કુદરતી સૌદર્ય રહેલુ છે. તેમા પણ વર્ષાઋતુ આવતા અહીંની સુંદરતા કંઈક ઔર જ વધી જાય છે. અત્યારે ડાંગમાં પ્રકૃતિનું સૌદર્ય માણવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવી રહ્યા છે. ડાંગમાં પ્રકૃતિની મજા માણવા માટે વડોદરા, અમદાવાદ, સુરતથી સહેલાણીઓ પહોંચી ગયા છે. ખાસ કરીને વનદેવીના નેકલેસ પોઈન્ટને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. યુટર્નના આકારનો આ નેકલેસ પોઈન્ટ ધરતીને જાણે લીલો નેકલેસ પહેરાવ્યો હોય તેવુ દૃશ્ય સર્જે છે. જે જોવો તે પણ એક લ્હાવો છે.
સોળે કળાએ ખીલી ઉઠેલી કુદરતી સંપદાના સૌંદર્યને મન ભરીને માણવા પ્રવાસીઓ સુરતથી માત્ર 70 કિલોમીટરના અંતરે આવેલા આ નેકલેસ પોઈન્ટની મુલાકાત જરૂરથી લેતા હોય છે. અહીં વ્યુ પોઈન્ટ કુટીર, શૌચાલય, ચા-નાસ્તાનો સ્ટોલ સહિતના પિકનિક સ્પોર્ટનો વિકાસ કરવામાં આવ્યો છે. જેથી પ્રવાસીઓને કોઈ અગવડતા ના પડે અને પ્રવાસીઓ પણ અહીં સૌંદર્યનો નજારો માણવા માટે મોટી સંખ્યામાં ઉમટતા હોય છે.
Published On - 3:35 pm, Thu, 3 July 25