Dang : સાપુતારા રોડ ઉપર દીપડો બે બચ્ચા સાથે નજરે પડ્યો, જુઓ દ્રશ્યો

Dang : સાપુતારા રોડ ઉપર દીપડો બે બચ્ચા સાથે નજરે પડ્યો, જુઓ દ્રશ્યો

| Edited By: | Updated on: Sep 08, 2022 | 3:49 PM

વિશાળ વન વિસ્તાર એવા ડાંગ જિલ્લામાં રહેતા આદિવાસીઓ માને છે જે આ જંગલ એ પશુ પક્ષીઓ નું ઘર છે અને આપણે તેમના વિસ્તારમાં રહીએ છીએ.

વનવિસ્તાર તરીકે જાણીતા ડાંગ(Dang) જિલ્લામાં વન્ય પશુઓ નિર્ભય ફરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે . છેલ્લા કેટલાક દિવસથી ડાંગ જિલ્લાના ગામડાઓ નજીક દીપડાઓ ફરતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં સાપુતારા વઘઇ ઘાટ માર્ગ ઉપર 2 બચ્ચા સાથે દીપડી દેખાયા બાદ ફરી એક વિડિઓ સામે આવ્યો છે. સાપુતારા આહવા દેવીનામાળ વિસ્તારમાં મુખ્ય માર્ગ નજીક બે બચ્ચા સાથે દીપડો જોવા મળ્યો છે.એક સપ્તાહ અગાઉ પણ આહવા તાલુકાના ગંલકુંડ, બરડીપાડા અને સાપુતારા ઘાટ વિસ્તારમાં વન્ય જીવ નજરે પડયા હતા ત્યારે ફરી એકવાર આહવા થી સાપુતારા જતા મુખ્ય માર્ગ ઉપર રાત્રીના સમયે પશુ કેમેરામાં કેદ થયા છે.

વિશાળ વન વિસ્તાર એવા ડાંગ જિલ્લામાં રહેતા આદિવાસીઓ માને છે જે આ જંગલ એ પશુ પક્ષીઓ નું ઘર છે અને આપણે તેમના વિસ્તારમાં રહીએ છીએ. અહીંના જંગલ વિસ્તારમાં ફરતા પશુ પક્ષીઓ માટે લોકોમાં કોઈ ભય નથી ગામજનો નિર્ભય રીતે રાત્રે પણ એકલા ગામમાં ફરતા હોય છે. તો પશુઓ પણ સુરક્ષિત છે. પ્રકૃતિ ના પૂજક એવા આદિવાસી સમાજ દરેક પ્રસંગે પ્રકૃતિના દેવ એવા સૂર્યદેવ, ચંદ્ર દેવ સાથે વાઘદેવ, મોર દેવ નાગ દેવની પૂજા કરાય છે. ડાંગ જિલ્લાના 311 ગામોમાં મોટી સંખ્યામાં પ્રાણી વસવાટ કરે છે.

પ્રવાસીઓ સાવચેતી રાખવા સલાહ

ડાંગ જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર દેખાતા દીપડાને લઈને અહીંયા આવતા પ્રવાસીઓ ખાસ સાવચેતી રાખે એ જરૂરી છે. ગત માર્ચ મહિનામાં વેકેશન દરમિયાન ગિરિમથક સાપુતારા ખાતે દીપડાંએ એક સ્વાન ને પોતાનો શિકાર બનાવ્યો હતો અને ત્યારથી અવારનવાર સાપુતારા વઘઇ અને સાપુતારા આહવા માર્ગ ઉપર દીપડા તેના બચ્ચા સાથે કેમેરામાં કેદ થયા છે ત્યારે ડાંગ જિલ્લાના પ્રવાસે આવતા લોકો પોતાની સલામતી માટે ખાસ કરીને રાત્રીના અંધારામાં કોઈ પણ કારણસર પોતાના વાહનો માંથી નીચે ન ઉતરે અને સાવચેતી રાખે એવી સલાહ આપવામાં આવી રહી છે.

Published on: Sep 08, 2022 03:49 PM