Dang: ભારે વરસાદને પગલે રસ્તા ધોવાઈ ગયા, સુબિરમાં આજે સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો

|

Jul 13, 2022 | 9:14 PM

ડાંગ (Dang)માં વઘઈ સાપુતારા માર્ગ પર પણ ઠેર ઠેર રસ્તા ધોવાઈ જવાથી વાહનવ્યવરને મોટી અસર થઈ છે. જેને પગલે વહીવટી તંત્રએ સલામતીના ભાગરૂપે વાંસદા ખાતેથી ડાંગમાં આવતા લોકો માટે નાસિકના બારીપાડા અને સુરગાણાં તરફ ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે.

રાજ્યમાં આજે સૌથી વધુ ડાંગ (Dang)ના સુબિરમાં સાડા સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. ગુજરાતનું ચેરાપૂંજી ગણાતા ડાંગમાં રોડ રસ્તાનું ધોવાણ થઈ ગયું છે. છેલ્લા કેટલાય દિવસથી ખાબકી રહેલા ધોધમાર વરસાદને પગલે ડાંગ જિલ્લામાં વાહન વ્યવહારને અસર પહોંચી છે. જિલ્લાના આહવા, વઘઈ, સુબીર અને સાપુતારા (Saputara)માં ધોધમાર વરસાદને કારણે ભેખડો ધસી જવાની અને માર્ગો ધોવાઈ જવાના બનાવો બની રહ્યા છે તો ભારે વરસાદને કારણે નવસારી અને ડાંગને જોડતો માર્ગ હાલ અવરોધાયો છે.

વઘઈના કાલીબેલ ખાતે આવેલા બ્રિજ પર પુર્ણા નદીના પાણી ફરી વળ્યા છે. જ્યારે વઘઈ સાપુતારા માર્ગ પર પણ ઠેર ઠેર રસ્તા ધોવાઈ જવાથી વાહનવ્યવહારને મોટી અસર થઈ છે. જેને પગલે વહીવટી તંત્રએ સલામતીના ભાગરૂપે વાંસદા ખાતેથી ડાંગમાં આવતા લોકો માટે નાસિકના બારીપાડા અને સુરગાણાં તરફ ટ્રાફીક ડાયવર્ટ કર્યો છે તો હિલસ્ટેશન સાપુતારામાં માર્ગ પર રસ્તો સાફ કરવાની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે.

ડાંગમાં ધોધમાર વરસાદ સાથે જ ઠેર-ઠેર ભેખડો ધસી પડવાના બનાવો સામે આવ્યા છે. ભાલખેત અને મહાલ કેમ્પ સાઈટના રોડ પર ભેખડો ધસી પડતા વાહન વ્યવહાર સ્થગિત કરી દેવાયો છે. જ્યારે ગીરીમથક સાપુતારા પાસે કેટલાય માર્ગો પર ભેખડો ધસી પડી હતી. તેમજ સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા ભેખડોનો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

ડાંગ જિલ્લો ચોમાસાની ઋતુમાં તેના ખીલી ઉઠતા કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે, પરંતુ ચાલુ વર્ષે ચોમાસુ આફત લઈને આવ્યું હોય તેમાં લાગી રહ્યું છે. પંથકમાં અનરાધાર વરસી રહેલા વરસાદના કારણે સ્થાનિકો અને તંત્ર બંને માટે મુશ્કેલીઓ ઉભી થઈ છે. પહાડી પ્રદેશમાં ઠેર ઠેર ધસમસતા પાણીના પ્રવાહ અને ધસી પડેલી જમીનોના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા શાળાઓમાં રજા આપવામાં આવી છે. બીજી તરફ પ્રવાસીઓના અટવાઈ પાડવાના અહેવાલો પણ સાંપડી રહ્યા છે.

Next Video