સામાજિક સમરસતાની મસમોટી વાતો અને ટેક્નોલોજીના આધુનિક યુગમાં હજુ પણ કેટલાક લોકો આભડછેટની સંકુચિત માનસિકતામાંથી બહાર આવી શકતા નથી. હજુ પણ વિકસિત ગુજરાતના ( Gujarat ) કેટલાક વિસ્તારોમાં અનુસૂચિત સમાજના લોકો સાથે આભડછેટ થતી હોવાના કિસ્સા છાશવારે સામે આવતા રહે છે. ત્યારે આવો વધુ એક કિસ્સો મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના ભાટેરીયા ગામેથી સામે આવ્યો છે.
આ પણ વાંચો : Gujarati Video : મહેસાણાના ઊંઝામા વાતાવરણમાં પલટો આવ્યો, ખેડૂતોની ચિંતામાં વધારો થયો
ભટારીયા ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનુસૂચિત સમાજના લોકો માટે અલગ જમણવાર રખાતા વિવાદ સર્જાયો છે. ગામમાં અનુસૂચિત સમાજના લોકોને મંદિરમાં પ્રવેશ ન અપાતો હોવાનો પણ આક્ષેપ થઇ રહ્યો છે. સમગ્ર મામલે અનુસૂચિત સમાજના લોકોએ જોટાણા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.
અનુસૂચિત સમાજના લોકોએ ગ્રામ પંચાયત નજીક નોટિસ લગાવી વિરોધ વ્યક્ત કર્યો છે. તથા તેમણે અલગ જમણવારનો બહિષ્કાર પણ કર્યો છે. મામલાની ગંભીરતા અને અનુસૂચિત સમાજના લોકોમાં રોષ જોતા સમાજ કલ્યાણ અધિકારી અને પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે ભટારીયા ગામના સરપંચ પોતે પણ અનુસૂચિત સમાજમાંથી આવતા હોવાથી અનુસૂચિત સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તો આ તરફ વિવાદ વધતા ગામના આગેવાન પણ સામે આવ્યા છે. ગામના આગેવાન નટુ પટેલે તમામ આક્ષેપો ફગાવી દીધા છે. તેમને જણાવ્યું કે ગામમાં કોઇ પણ પ્રકારની આભડછેટ નથી. પાટીદાર સમાજનો પ્રસંગ છે. આ પ્રસંગમાં યજમાનોએ જેને આમંત્રણ આપ્યું છે તેમના માટે જમણવાર રાખવામાં આવ્યો છે. ગામમાં કોઇ અલગ જમણવારની વ્યવસ્થા કરેલી નથી.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:09 am, Tue, 16 May 23