બનાસકાંઠાઃ DDO અને આરોગ્ય અધિકારી વચ્ચેનો વિવાદ ચરમસીમાએ, DHOની સત્તા આંચકી લેવાઈ
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી વચ્ચે ચાલી રહેલ વિવાદ દરમિયાન મોટો નિર્ણય સામે આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીએ હવે જિલ્લા આરોગ્ય અધિકારી ડો જયેશ પટેલનો ચાર્જ છીનવી લેવામાં આવ્યો છે. હવે આ ચાર્જ અન્ય અધિકારીને સોંપવામાં આવ્યો છે. ડીડીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યાની ચર્ચાઓ ખૂબ થઈ રહી હતી.
બનાસકાંઠા જિલ્લામાં વિવાદો સમયાંતરે આવતા જ રહે છે. હવે એક વિવાદ અત્યાર સુધી ચર્ચાઓમાં હતો પરંતુ હવે ભડકાની જેમ સામે આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ જિલ્લા આરોગ્ય અધિકારીની સત્તા પરત ખેંચી લેવામાં આવી છે. આ સત્તા પરત ખેંચવાને લઈ મીડિયા રિપોર્ટનુસાર ડીડીઓએ ડો જયેશ પટેલની ફરજમાં અનિયમિતતા હોવા સ્વરુપનું કારણ દર્શાવ્યુ છે. જેમાં આરોગ્ય અધિકારીએ અન્ય અધિકારીનો પક્ષ લઈ સરકારને રિપોર્ટ કરવાથી લઈને સમય મર્યાદામાં ફરજના કામ પૂર્ણ નહીં કરવા જેવા કારણ દર્શાવ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી DDO અને આરોગ્ય અધિકારી વચ્ચે સીધો સંવાદ સરકારી કામોને લઈને પણ થઈ રહ્યો નહોતો એવી પણ ચર્ચાઓ હતી. આ માટે શાખાના કર્મચારીઓ અને અધિકારી મારફતે જ DDO અને આરોગ્ય વિભાગની કચેરી વચ્ચે સૂચનાઓ પહોંચતી હતી. આમ બંને વચ્ચે વિવાદ વધવા લાગ્યો હતો અને હવે આખરે મામલો સત્તા ખેંચી લેવા સુધી પહોંચ્યો છે. હવે CDHO ડો જયેશ સોલંકી જિલ્લા આરોગ્ય અધિકારી તરીકેની સત્તાઓ સંભાળશે.