Gujarati Video : અદાણી મુદ્દે ગુજરાતના વિવિધ શહેરોમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, વડોદરામાં કોંગ્રેસ કાર્યકરો-પોલીસનું ઘર્ષણ

| Edited By: | Updated on: Feb 06, 2023 | 2:52 PM

Gujarat News : ગુજરાતમાં પણ કોંગ્રેસ કાર્યકરોએ અલગ અલગ શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યુ. કોંગ્રેસના અસંખ્ય કાર્યકરો રસ્તા પર ઉતરી અને સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું.

અદાણી વિવાદ મુદ્દે સંસદથી લઈને સડક સુધી હોબાળો મચ્યો છે. કોંગ્રેસે, સરકારને ઘેરવા હલ્લાબોલ કર્યું છે. એક તરફ રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે યુથ કોંગ્રેસના અસંખ્ય કાર્યકરો રસ્તા પર ઉતર્યા અને સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું. તો બીજી તરફ ગુજરાતમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ અલગ અલગ શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યુ. કોંગ્રેસના અસંખ્ય કાર્યકરોએ વિવિધ શહેરોમાં પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું. કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં બેનર લઇને વિરોધ વ્યક્ત કર્યો.

વડોદરામાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

વડોદરામાં કોંગ્રેસના પ્રદર્શન કરતા કેટલાક કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરવામાં આવી. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી અને અન્ય પદાધિકારીઓએ સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. આ ઉપરાંત કોંગ્રેસના કાર્યકરોએ સાથે રાખેલા બેનરોમાં અદાણી જૂથને LIC અને SBIના જોખમી વ્યવહારોથી સામાન્ય નાગરિકોની બચત જોખમમાં મુકાઈ હોવાનો ઉલ્લેખ હતો. સયાજીગંજ પોલીસે વડોદરા કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી સહિતના આગેવાનોની અટકાયત કરી છે. આ સમયે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.

અમદાવાદમાં રિલીફ રોડ પર વિરોધ પ્રદર્શન

અદાણી મુદ્દે અમદાવાદમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદમાં રિલીફ રોડ પર આવેલ LIC ઝોનલ કચેરી બહાર કોંગ્રેસે દેખાવો યોજયો હતો. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીસના વડપણ હેઠળ કોંગ્રેસે તપાસની માગ કરી હતી. રોકાણકારોના હિતોની રક્ષા માટે અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી નિમણૂંકની માગ કરી હતી. અદાણીમાં રોકાણથી LICના 29 અને SBIના 45 કરોડ રૂપિયા ગ્રાહકોના લાગેલા છે.

જામનગરમાં કોંગ્રેસના સૂત્રોચ્ચાર

જામનગરમાં અદાણી મુદ્દે કોંગ્રેસે SBIની બ્રાન્ચ બહાર વિરોધ પ્રદર્શન કર્યું. SBI દ્વારા અદાણીને અપાયેલી હજારો કરોડની લોન બાબતે કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. કોંગ્રેસના કાર્યકરો શહેરની લાલ બંગલા નજીક આવેલી SBIની બ્રાન્ચ બહાર એકઠા થયા અને પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ વ્યક્ત કર્યો.