અમદાવાદમાં ગંદકી વધી રહી છે તેવા કોંગ્રેસના આક્ષેપો છે. પરંતુ જેમ એક સિક્કાની બે બાજુ હોય તેજ પ્રમાણે ગંદકી મુદ્દે કોર્પોરેશન અને સ્થાનિકોનો દ્રષ્ટિકોણ અલગ-અલગ છે. કોર્પોરેશનના ડોર ટુ ડોર વાહન વધારવાના અને સિલ્વર ટ્રોલી હટાવવાના નિર્ણયને સ્થાનિકો કંઈક અલગ જ દ્રષ્ટિકોણથી જોઈ રહ્યા છે. અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં રહેતા અંકિતા ગોસ્વામી જે છેલ્લા 50 વર્ષથી અહીં રહે છે. હવે તેમણે પોતાનું આ મકાન વેચવા કાઢ્યું છે. જેની પાછળનું કારણ છે, તેમના ઘર સામે ખડકાતો ગંદકીનો ઢગલો.
અંકિતા ગોસ્વામીના ઘર સામે મનપાએ સિલ્વર ટ્રોલી મુકી હતી. તે ટ્રોલી તો મનપાએ હટાવી લીધી છતાં લોકોની માનસિકતા એવી છે કે કચરો અહીં જ નાખવાનો હોય, જેથી આવતા જતા લોકો અહીં જ કચરો ફેંકતા જાય છે. ના છૂટકે આટલા વર્ષોથી અહીં રહેતા અંકિતા ગોસ્વામીએ ઘર વેચીને અન્ય સ્થળે જતા રહેવાનો નિર્ણય લેવો પડ્યો છે.
ત્યારે એ સવાલ થયા વિના રહે નહીં કે શું શહેરને ગંદકીથી મુક્ત રાખવાની જવાબદારી ફક્ત મહાનગરપાલિકાની જ છે ? શું એક જાગૃત નાગરિક તરીકે શહેરને સ્વચ્છ રાખવાની આપણી જવાબદારી નથી ? જો મહાનગરપાલિકાનું તંત્ર શહેરને સાફ રાખવા માટે આટલી મહેનત કરી રહ્યું હોય, તો આપણી પણ ફરજ બને છે કે આપણે પણ થોડું ધ્યાન તો રાખવું જ પડશે.
સ્વચ્છતાને લઈને દર વર્ષે સર્વેક્ષણ થાય છે. જેમાં અમદાવાદ પહેલા ક્રમાંકે આવે તે માટે મહાનગરપાલિકા તરફથી સતત પ્રયાસ થઈ રહ્યા છે. જેમાં અમદાવાદીઓએ પણ પોતાનો ફાળો આપવો પડશે. જો લોકો જાગૃત થશે તો મહાનગરપાલિકા અને નાગરિકોના સહિયારા પ્રયાસથી આપણે આપણા અમદાવાદને વધુ સ્વચ્છ બનાવી શકીશું તે નક્કી છે.