પૂર વચ્ચે પોલિટીક્સ.. સુરત ખાડીપુર મામલે કોંગ્રેસના પ્રહાર, તંત્રની નિષ્ફળતા ! જન આંદોલનની ચીમકી
સુરતમાં ખાડીપુર અને જળભરાવની સ્થિતિ માટે કોંગ્રેસે મહાનગરપાલિકા અને રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી છે. કોંગ્રેસનો આરોપ છે કે આ કુદરતી આફત નહીં, પરંતુ તંત્રની નિષ્ફળતા, ગેરકાયદે દબાણો અને જળમાર્ગોની સફાઈમાં બેદરકારીનું પરિણામ છે.
સુરતમાં ખાડીપુર અને જળભરાવની ગંભીર સ્થિતિ અંગે કોંગ્રેસે મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ સ્થિતિ કુદરતી નહીં, પરંતુ તંત્રની ઘોર નિષ્ફળતાનું પરિણામ છે. ગેરકાયદે દબાણો અને જળમાર્ગોની સફાઈમાં દાખવેલી બેદરકારીને કારણે શહેરમાં પાણી ભરાયા હોવાના આક્ષેપો કોંગ્રેસે કર્યા છે.
કોંગ્રેસના મતે, ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકો માત્ર કાગળ પર જ યોજાઈ હતી અને ચોમાસા પહેલા પાણીના નિકાલમાં અવરોધરૂપ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા નથી. ત્રણ વર્ષથી ચેતવણીઓ છતાં તંત્ર ઊંઘતું રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું છે. કોંગ્રેસે ખાડીપુર અને જળભરાવના મુદ્દે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે, જેથી અધિકારીઓની જવાબદારી નક્કી થઈ શકે.
સુરતના લાખો નાગરિકો, વેપારીઓ અને ખેડૂતોને થયેલી હાલાકીને કોંગ્રેસે ઉજાગર કરી છે. મહાનગરપાલિકાના કલેક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનું કોંગ્રેસે કહ્યું. ભારતીય જનતા પાર્ટી દ્વારા સંચાલિત મહાનગરપાલિકાના વહીવટ પર પણ પ્રશ્નાર્થ ઉઠાવવામાં આવ્યા છે. જો આ મામલે સરકાર દ્વારા કાર્યવાહી નહીં કરાય તો કોંગ્રેસે જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. શહેર અને જિલ્લાના લોકોને બે દિવસ સુધી પાણી ભરાવાના કારણે મોટા પાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
CM કરશે દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત, જુઓ Video
