ભાજપનાં કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં ફરી રૂપાણીનું નામ ગાયબ થતા અનેક તર્ક-વિતર્ક
આ પહેલાના એક કાર્યક્રમમાં પણ ભાજપનો જુથવાદ સામે આવ્યો હતો. બે મહિના પહેલાં પણ રાજકોટ ભાજપમાં સ્નેહ મિલનનાં કાર્યક્રમમાં પણ આંતરિક જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યું હતું.
કોઈપણ પ્રસંગની આમંત્રણ પત્રિકામાં ઘરના મોભીનું નામ પહેલા લખાતું હોય છે. પરંતુ ઘરના મોભીના નામ વિના આખા ગામમાં આમંત્રણ પહોંચે તો સૌ કોઈને નવાઈ લાગે. આવું જ કંઈક પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Former Chief Minister Vijay Rupani) સાથે થયું છે. રાજકોટ (Rajkot)માં આજે લક્ષ્મીનગર બ્રિજનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા (invitation card)માં વિજય રૂપાણીના નામની બાદબાકી જોવા મળી હતી.
રાજકોટમાં 35 વર્ષ જૂના અંડરબ્રિજનું નવીનીકરણ બાદના લોકાર્પણ કાર્યક્રમ માટે આમંત્રણ પત્રિકાઓ છપાવાઈ હતી. આ આમંત્રણ પત્રિકામાં રાજકોટના તમામ ધારાસભ્યોના નામ લખવામાં આવ્યા છે. ફક્ત વિજય રૂપાણીનું નામ છપાયું ન હતુ. આ ઘટનાથી રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યુ છે.
પ્રધાન અરવિંદ રૈયાણીની પ્રતિક્રિયા
આ અંગે રાજ્યકક્ષાના પ્રધાન અરવિંદ રૈયાણીએ કહ્યું હતું કે જ્યારે કોઇ કાર્યક્રમ નક્કી કરવામાં આવતો હોય છે ત્યારે તેઓ હાજર રહેશે કે કેમ તે અંગેની માહિતી પુછવામાં આવે છે અને તેઓ હાજર રહેવાના છે કે કેમ તે અંગેની માહિતી આપવામાં આવે છે.રૂપાણીના નામ અંગે રૈયાણીએ કહ્યું હતું કે વિજય રૂપાણી અમારા આદર્શ છે,મારી કારર્કિદીમાં તેઓનો સિંહ ફાળો છે.તેઓ અમારા દિલમાં છે.કોઇપણ કાર્યક્રમમાં સીએમ હાજર હોય ત્યારે પૂર્વ સીએમનો પ્રોટોકોલ જળવાય તે રીતે તેઓના નામ રાખવામાં આવતા નથી,પાર્ટીમાં શિસ્ત છે અને તમામ નેતાઓના સન્માન જળવાય તે રીતે નામ લખવામાં આવે છે.જેથી વિજય રૂપાણીનું નામ સન્માન જળવાય તે માટે લખવામાં આવ્યું નથી.ભાજપમાં કોઇ આંતરિક જુથવાદ ન હોવાનો દાવો કર્યો હતો..મેયરે પણ અરવિંદ રૈયાણીના સૂરમાં સૂર પુરાવ્યો હતો અને રૂપાણી હાજર રહેવાના ન હોવાથી તેનું નામ ન લખ્યું હોવાનો દાવો કર્યો હતો.
ભાઇ અને ભાઉ વચ્ચેની લડાઇ છે-ડો.હેમાંગ વસાવડા
આ અંગે કોંગ્રેસના નેતા ડો.હેમાંગ વસાવડાએ ભાજપ પર નિશાન સાંધ્યું હતું,ડો.વસાવડાએ કહ્યું હતું કે રાજ્યમાં ભાઇ અને ભાઉં વચ્ચેની લડાઇ ચાલી રહી છે.ધારાસભ્યના વિસ્તારમાં લોકાર્પણ થતું હોય અને તેનું જ નામ શામેલ ન હોય તેવો પ્રોટોકોલ કઇ રીતે હોય તે સમજાતું નથી.રાજ્ય સરકાર વિજય રૂપાણીને સાઇડલાઇન કરી રહી છે અને તેની સાથે અન્યાય કરી રહી છે.
શું છે પ્રોટોકોલ ?
સામાન્ય રીતે કોઇપણ મુખ્યમંત્રી કે મંત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાવાનો હોય ત્યારે તેમાં સ્થાનિક સાંસદ,ધારાસભ્યો,પાર્ટીના પ્રમુખ,મનપાના મેયર સહિતના પદાધિકારીઓના નામ અચૂક હોય છે, ભલે તેઓ હાજર રહે કે ન રહે. જો કે ભાજપમાં પૂર્વ મુખ્યપ્રધાનના નામને લઇને અલગ અલગ કાર્યક્રમોમાં અલગ અલગ ભુમિકાઓ રજૂ થઇ રહી છે. લક્ષ્મીનગર અંડર બ્રિજનો પ્રશ્ન રાજકોટ પશ્વિમ કે જે વિજય રૂપાણીના મત વિસ્તાર અને દક્ષિણ જે ગોવિંદ પટેલના મત વિસ્તારને જોડતો બ્રિજ છે. એટલે કે આ વિસ્તાર માટે ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ છે. તેમાં પણ વિજય રૂપાણી હવે ધારાસભ્ય છે તેથી તેઓનું નામ અચૂક આવવું જોઇએ.
આ પહેલાના એક કાર્યક્રમમાં પણ ભાજપનો જુથવાદ સામે આવ્યો હતો. બે મહિના પહેલાં પણ રાજકોટ ભાજપમાં સ્નેહ મિલનનાં કાર્યક્રમમાં પણ આંતરિક જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યું હતું. ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં સત્તામાં બેઠેલા MP રામભાઈ મોકરિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા અને MLA ગોવિંદભાઈ પટેલનું નામ જોવા નહીં મળતા ભાજપનો આંતરવિગ્રહ સામે આવ્યો હતો. જ્યાર બાદ સી.આર પાટીલને જાહેરમાં ખુલાસો કરવો પડ્યો હતો કે રાજકોટ ભાજપમાં કોઈ જ જૂથવાદ નથી.
આ પણ વાંચો-
ગુજરાતમાં ઓમિક્રોનનાના નવા સબ વેરિઅન્ટની એન્ટ્રી, ઓમિક્રોનના સબ વેરિઅન્ટના 41 કેસ નોંધાયા
આ પણ વાંચો-
Vadodara: પાદરામાં કાર ચાલકે પોલીસકર્મી પર કાર ચઢાવવાનો કર્યો પ્રયાસ, જુઓ વીડિયોમાં પછી શું થયુ ?