મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, આજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્યના પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક ગુજરાતના ભ્રષ્ટ કર્મચારી, ગેંગસ્ટર અને ભૂમાફિયા સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં ભ્રષ્ટ કર્મચારી, ગેંગસ્ટર અને ભૂમાફિયાઓની સંપતિને ટાંચમાં લેવા માટે કાયદામાં જરૂરી સુધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં પોલીસ અધિકારીઓથી માંડી તમામ સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓ જે કોઈ ગેરરીતિ કરશે તેની સામે કાર્યવાહી હાથ ધરવાનો આદેશ પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપ્યો છે.
રાજકોટમાં તાજતેરમાં બનેલ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અને અમદાવાદમાં ગઈકાલ ગુરુવારે લાંચ લેતા પકડાયેલા આસિ. ટીડીઓના કિસ્સા સરકારે આવા તત્વો સામે દાખલો બેસે તેવા પગલાં લેવાનું નક્કી કર્યું છે. આના માટે કાયદામાં જરૂરી ફેરફાર કરવા માટે, કાયદાકીય નિષ્ણાતોની મદદ લઈને નવો કાયદો ઘડવામાં આવશે અથવા તો જૂના કાયદામાં સુધારો કરવામાં આવશે.
આ કાયદો અમલમાં આવ્યા બાદ, ભ્રષ્ટ સરકારી કર્મચારી કે અધિકારી ઉપરાંત ગેંગસ્ટર અને જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓ વિરુધ્ધ કાયદાકીય દંડો ઉગામવામાં આવશે.