મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જામનગરમાં વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ સ્થિતિની કરી સમીક્ષા, જુઓ Video
જામનગર ખાતે મુખ્યમંત્રી અને કૃષી મંત્રીએ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. વરસાદથી થયેલી નુકસાની અંગેની માહિતી મેળવી. અસરગ્રસ્ત વિસ્તારના લોકોને આશ્વાસન આપ્યું.
Jamnagar: અનરાધાર વરસાદને કારણે જામનગર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જામનગરમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ સ્થિતિની સમીક્ષા કરી. સીએમ ભૂપેન્દ્ર પટેલે વોર્ડ નંબર 2માં ખોડિયાર હોલ ખાતે અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી તેમના હાલચાલ પૂછ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલની સાથે સાંસદ પૂનમ માડમ, કૃષિપ્રધાન રાઘવજી પટેલ તેમજ ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.
મહત્વનુ છે કે જામનગરને મેઘરાજાએ બરાબરનું ધમરોળ્યાં બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યાં છે. વરસાદને કારણે જામનગરના સંખ્યાબંધ વિસ્તારો જળમગ્ન બની ગયા. જ્યાં નજર જાય ત્યાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું. અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી. ત્યારે ગુલાબનગર વિસ્તારમાં હજી પણ ઘરોમાંથી પાણી ન ઓસરતા લોકો હેરાન પરેશાન થયા છે. લોકો પાણી વચ્ચે જ રાત વિતાવવા મજબૂર બન્યાં હતા.
આ પણ વાંચો : જૂનાગઢમાં ભારે વરસાદથી ઘેડ પંથકના સંખ્યાબંધ ગામ પાણીમાં ગરકાવ
એટલું જ નહીં ઘરની તમામ ઘરવખરી પાણીમાં પલળી હોવાથી લોકોને ખાવાના પણ ફાંફા પડ્યાં. તો 20 કલાકનો સમય વિતવા છતાં હજી સુધી લોકોના ઘરોમાં ઘુંટણસમા પાણી ભરાયેલા છે. જેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે ગુલાબનગરની 10 જેટલી સોસાયટીમાં વરસાદી પાણી ફરી મળ્યાં હતા. 10 સોસાયટીના 1 હજારથી વધુ મકાનોમાં વરસાદી પાણી ભરાયા હતા. જો કે પાણી ભરાયાને 20 કલાકનો સમય વિતવા છતાં હજી સુધી પાણી ઓસર્યા નથી.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો