વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફાઈ માટેના આહવાન બાદ આજે દેશભરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આજે દેશભરના 1100 તળાવોમાં સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે વડોદરા શહેરમાં પણ તળાવોમાં સફાઇ કરવામાં આવી રહી છે. શહેરના હરણી, સમા, ગોત્રી અને તરસાલીમાં ચાર તળાવોમાં સામુહિક સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી છે. સંત નિરંકારી મિશન સંસ્થા અને કોર્પોરેશનના કર્મચારીઓ તળાવોની સંયુક્ત સફાઇ કરી રહ્યાં છે. આ સફાઇ કામગીરીમાં કોર્પોરેશન અને સંત નિરકંકારી મિશનના 1500થી વધુ કર્મચારીઓ જોડાયા છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સમા, હરણી, વારસીયા, તરસાલી સહિત નાના મોટા તળાવોના બ્યુટિફિકેશન માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તળાવો બ્યુટિફિકેશન માટે કોર્પોરેશન દ્વારા તળાવોની સફાઇ તેમજ તળાવોની ફરતે રેલીગ, લાઇટિંગ, વોક વે બનાવવા સહિતનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમ છતા વડોદરાના તળાવોની દુર્દશા છે. તળાવોમાં જંગલી વનસ્પતિ ઉગી જવાના કારણે તળાવમાંથી દુર્ગંધ પણ આવી રહી છે. ત્યારે વડાપ્રધાનના આહવાન બાદ વડોદરામાં તળાવોની સફાઇ કરવામાં આવી રહી છે.