Chotaudepur : શિક્ષણ વિભાગને લખેલા પત્રને લઈને ભાજપના પૂર્વ ધારાસભ્યે IAS ધવલ પટેલ સામે માંડ્યો મોરચો, અધિકારીની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ

| Edited By: | Updated on: Jul 02, 2023 | 9:54 PM

Chotaudepur: ખાણ ખનિજ વિભાગ કમિશનર IAS ધવલ પટેલના આદિવાસી વિસ્તારોમાં નિમ્નસ્તરના પ્રાથમિક શિક્ષણની પોલ ખોલતા લખેલા પત્ર સામે ભાજપના પૂર્વ ધારાસભ્યએ મોરચો માંડ્યો છે અને અધિકારીની કામગીરી સામે જ સવાલ ઉઠાવ્યા છે. તેમણે સલાહ આપી કે શિક્ષણનું છોડો ગુજરાતમાં ખનિજ ચોરી થઈ રહી છે તેનુ કંઈક કરો.

Chotaudepur: ભાજપના પૂર્વ ધારાસભ્ય શંકર રાઠવાએ ધવલ પટેલ સામે મોરચો માંડ્યો છે. IAS આદિવાસી વિસ્તારોમાં કથળતી શિક્ષણ વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવતો પત્ર શિક્ષણ વિભાગને લખ્યો હતો. આ પત્ર બાદ ભાજપના પૂર્વ ધારાસભ્યએ IAS ધવલ પટેલની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે અધિકારીને ઉદ્દેશીને ભાજપના જ લેટરપેડ પર પત્ર લખ્યો છે અને ગુજરાતમાં ખુલ્લેઆમ ખાણ માફિયાઓ ખનિજ ચોરી કરી રહ્યા છે તેને લઈને કેમ કોઈ કાર્યવાહી કરતા નથી. તેવો સવાલ કર્યો છે. એટલુ જ નહીં રેતીની ચોરી કરતા બેફામ ડમ્પરોથી અકસ્માત થાય છે ત્યારે કેમ તમારુ હ્રદય દ્રવી ઉઠતુ નથી.

IAS ધવલ પટેલની કામગીરી સામે શંકર રાઠવાએ ઉઠાવ્યા સવાલ

શંકર રાઠવાએ IAS ધવલ પટેલ સામે નિશાન તાકી એવા સવાલ ઉઠાવ્યા કે આદિવાસી વિસ્તારમાં કોઈ આદિવાસી પોતાના મકાનના બાંધકામ કે અન્ય કામ માટે એક ટ્રેક્ટર રેતી લઈને જતો હોય તો ખાણ ખનિજ વિભાગ તેને 50થી60 હજાર રૂપિયાનો દંડ ફટકારે છે, જ્યારે ખાણ ખનિજ માફિયાઓનો વાળ પણ વાંકો થતો નથી અને તેમના માટે મોકળુ મેદાન છે.

આ પણ વાંચો : Chhotaudepur : જિલ્લામાં કથળતી શિક્ષણ વ્યવસ્થાને લઈ IAS ધવલ પટેલે 6 ગામની શાળાનો રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ સચિવને મોકલ્યો, જુઓ Video

વધુમાં તેમણે IAS ધવલ પટેલને પડકાર ફેંક્યો કે આદિવાસી બાળકોના ભણતરની એટલી જ ચિંતા હોય તો ખાણ ખનિજ વિભાગનું કમિશનર પદ છોડી છોટા ઉદેપુર વિસ્તારના ગામડામાં એક વર્ષ સુધી પ્રાથમિક શિુક્ષક તરીકે નોકરી કરે તો ખબર પડે કે આ સ્થિતિ કેવી રીતે સર્જાઈ છે.

ઈનપુટ ક્રેડિટ- મકબુલ મન્સુરી- છોટા ઉદેપુર

છોટા ઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો