છોટાઉદેપુર : નસવાડીના આંધણી ખેરમારમાં હલકી ગુણવત્તાની રોડ કામગીરી આવી સામે, વીડિયોમાં જુઓ દ્રશ્યો
સરકારના દાવા મુજબ ગુજરાતમાં ગામડે ગામડે રસ્તા બન્યા છે. સરકારનો દાવો અલગ વાત છે પરંતુ વાસ્તવિકતા અલગ છે. સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચારનો ભોગ સામાન્ય જનતા બની રહી છે. સિસ્ટમ પ્રમાણે કામ થતુ નથી અને આ વાતનો સૌથી મોટો પુરાવો છે છોટા ઉદેપુર જિલ્લાના આંધણી ખેરમાર ગામમાં રોડને હાથ લગાવતા જ ડામર ઉખડી ગયો છે.
દરેક માણસે રોડ તો ઘણા બધા જોયા હશે. પરંતુ છોટાઉદેપુરની નસવાડીમાં આવેલા રોડ જેવો રોડ ક્યારે નહીં જોયો હોય. નસવાડીના આંધણી-ખેરમારના રોડ રીપેરની કામગીરીમાં કોન્ટ્રાક્ટર કંપનીએ વેઠ ઉતારી હોવાનું સામે આવ્યું છે. જેને લઇ ગ્રામજનો રોષે ભરાયા છે. કારણ કે RCC રોડના બદલે હલકી ગુણવત્તાનો ડામર વાપરીને રોડ બનાવી દેવામાં આવ્યો છે.
વડોદરાની એકતા એસોસિએટ દ્વારા આ પ્રકારનું બેદરકારીભર્યું કામ કરવામાં આવ્યું છે.આ રોડ માત્ર શોભાના ગાંઠિયા સમાન છે.જોઇ શકાય છે ગ્રામજનોએ હાથ લગાવતા જ રોડનો ડામર ઉખડી ગયો છે. અને ફક્ત માટી જ માટી દેખાઇ રહી છે.
સ્પષ્ટ છે રોડ કામગીરીના નામે માત્ર પાતળો ડામર પાથરી દેવાયો છે. દૃશ્ય જોઇને લાગે છે, કે કોન્ટ્રાક્ટરોને સુવિધા આપવામાં નહીં પરંતુ પોતાના ખિસ્સા ભરવામાં રસ વધારે છે. રોડ બનાવતા જ ડામર હાથમાં આવી ગયો છે. અહીં રોડના નામે પ્રજા સાથે છેતરપિંડી થઇ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે નસવાડીનું તંત્ર આ બાબતને ધ્યાને લઇ ચોક્કસથી પગલાં ભરે અને રોડની કામગીરી સારી રીતે થાય તે જરૂરી છે.