Chhota Udepur: બોડેલીમાં ખાબકેલા વરસાદે સર્જી તારાજી, તંત્રએ લોકોને સ્થળાંતર કરવા કરી અપીલ
છોટા ઉદેપુરના (Chhota Udepur) બોડેલી તાલુકામાં વરસાદે (Rain) તારાજી સર્જી છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. અનેક લોકોએ રાત છત પર ગુજારવી પડી. તંત્રએ લોકોને સ્થળાંતર કરવા માટે અપીલ કરી છે.
ગુજરાતમાં (Gujarat) મેઘરાજાએ ધમધમાટી બોલાવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં છેલ્લા 2-3 દિવસથી અનરાધાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. છોટા ઉદેપુરના (Chhota Udepur) બોડેલી તાલુકામાં મેઘરાજાએ ધુંઆધાર બેટિંગ કરી છે. વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાવાનું શરૂ થયુ છે. જેના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. તંત્રએ લોકોને સ્થળાંતર કરવા જણાવ્યું છે.
અનેક લોકોએ આખી રાત છત પર ગુજારી
છોટા ઉદેપુરના બોડેલી તાલુકામાં ભારે વરસાદ ખાબકતા તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છોટાઉદેપુરમાં બોડેલી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. ગઇકાલે પણ વરસાદને કારણે છોટા ઉદેપુરના અનેક વિસ્તારમાં સ્થિતિ ગંભીર થઇ છે. ભોરદલી ગામથી પસાર થતી ઓરસંગ નદીના પાણી કોઝ-વે પર ફરી વળ્યા છે. રઝાનગર વિસ્તારમાં પણ ખૂબ જ પાણી ભરાયુ છે. એક હજારની વસ્તી ધરાવતા વિસ્તારના તમામ મકાનો ડૂબી ગયા છે. લોકો પોતાનો જીવ બચાવવા છત પર ચઢી ગયા હતા તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. તેમાંથી કેટલાક લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કઢાયા હતા. તો કેટલાક લોકોને આખી રાત વરસાદમાં છત પર ગુજારવી પડી હતી.
જિલ્લામાં ભારે વરસાદ હોવાથી પત્રકમાં જણાવેલ રસ્તા પર પાણી ભરાયેલ હોવાથી નાગરીકો તેમજ વાહનોની અવર – જવર રોકવા માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. તેમજ અવર જવર ન કરવા નાગરીકોને સૂચના આપવામાં આવે છે.@PMOIndia @CMOGuj @pkumarias @GIDMOfficial @SEOC_Gujarat @ChhotaudepurSP pic.twitter.com/wKKTOjyIGD
— Collector Chhotaudepur (@collectorcu) July 11, 2022
લોકો સ્થળાંતર કરવા થયા મજબુર
ઘણા લોકોના ઘરોમાં પાણી ભરાતા તમામ ઘર વખરી પલડી ગઇ છે. જેના કારણે ભારે નુક્સાન પહોંચ્યુ છે. તમામ લોકો પોતાના મકાનને તાળા મારી સ્થળાંતર કરવા મજબૂર થયા હતા. તો તંત્રએ પણ ઘણા લોકોને સ્થળાંતર કરવા જણાવ્યું હતુ. વરસાદ ઓછો થતાં લોકો ફરી પરત આવ્યા હતા. જો કે તંત્ર તરફથી કોઈ મદદ ન મળ્યાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
કોઝ વે પર ફરી વળ્યા પાણી
છોટા ઉદેપુરના ભોરદલી ગામથી પસાર થતી ઓરસંગ નદીના પાણી કોઝ-વે પર ફરી વળ્યા હતા. મધ્યપ્રદેશ અડીને આવેલા નાની ભોરદલી, ભોરદા, ખડકવાડા, રજુઆટ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીના પ્રવાહને લઈ લોકો અને વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી.