સુરતમાં દિવસે ક્રાઇમની ઘટનાઓમાં વધારો થતો જઇ રહ્યો છે. એક પછી એક ગેંગ સુરતના અલગ અલગ વિસ્તારોમાં ચોરી, લૂંટ અને મર્ડર કરતી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે સુરતના કડોદરામાં વધુ એક ચોરીની ઘટના બની છે. આ ચોરીની ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. જેના પરથી સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ 5 મિનિટમાં હાથ સફાયો કરતી આ ચોર ટોળકીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
સુરતના કડોદરામાં એક જ્વેલર્સના શો રુમમાં ચોરી થવાની ઘટના બની છે. આ ચોરીની ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા છે. જેમાં ચોર ટોળકી ફિલ્મી ઢબથી ચોરી કરતી હોવાનું નજરે પડે છે. નવાઇની વાત એ છે કે મોડી રાત્રે આ ચોરીની ઘટના બની હતી. જેમાં તસ્કરો માત્ર 5 મિનિટમાં જ શો રુમમાંથી ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. CCTVમાં જોવા મળે છે કે બે બુકાનીધારીઓ ચોરીની ઘટનાને અંજામ આપે છે.
ચોરી કરવા આવેલા આ બંને બુકાનીધારીઓએ જવેલર્સમાં તોડફોડ બાદ ચોરી કરી હતી. ચોરી કરીને તરત જ આ બંને ચોર ફરાર થઇ ગયા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સહિત LCB, SOG સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. CCTVના આધારે પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.