બિલ્ડરની ‘મનમાની’ પર તંત્રનો કોરડો, ગેરકાયદે ઇમારત પર ફરી વળ્યું બુલડોઝર
બિલ્ડરોની મનમાની અહીંથી અટકી ન હતી. તંત્રએ વર્ષ 2024માં 4 થી 5 વખત નોટિસ આપી હતી અને ગેરકાયદેસર મકાનને સીલ પણ કર્યું હતું, તેમ છતાં આરોપી બિલ્ડર્સે સીલ તોડીને બાંધકામ ચાલુ રાખ્યું હતું. આ કડક કાર્યવાહી દ્વારા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉભું કરવામાં આવેલું 6 માળનું બાંધકામ આખરે તંત્રની ગર્જનાનો ભોગ બન્યું છે. મંજૂરી વિના અનેક નોટિસ તથા સીલ માર્યા છતાં ચાલુ રખાયેલા આ બાંધકામ પર AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ના બુલડોઝરે ફરી વળીને લગભગ 80 ટકા જેટલું બાંધકામ તોડી પાડ્યું છે.
જમાલપુર વિસ્તારમાં 3 માળથી વધુના બાંધકામ માટે દિલ્હીથી વિશેષ પરવાનગી લેવી ફરજિયાત હોય છે. જોકે, બે આરોપી બિલ્ડરો દ્વારા AMCની પ્રાથમિક મંજૂરી પણ લીધા વિના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી 6 માળનું બિલ્ડિંગ ખેંચી દેવાયું હતું. આ ગેરકાયદેસર કામગીરી વર્ષ 2023થી ચાલતી હતી.
બિલ્ડરોની મનમાની અહીંથી અટકી ન હતી. તંત્રએ વર્ષ 2024માં 4 થી 5 વખત નોટિસ આપી હતી અને ગેરકાયદેસર મકાનને સીલ પણ કર્યું હતું, તેમ છતાં આરોપી બિલ્ડર્સે સીલ તોડીને બાંધકામ ચાલુ રાખ્યું હતું.
આ ગેરકાયદેસર બાંધકામ પર કાર્યવાહી બાદ ગાયકવાડ હવેલીના PI એ જણાવ્યું હતું કે, પોલીસે હાલ બે લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં જણાવ્યું હતું કે, “બાંધકામ માટે જે લોકોએ નાણાકીય વ્યવહાર કર્યા હશે અથવા સહાય કરી હશે, તેમને પણ તપાસના અંતે આરોપી બનાવવામાં આવશે.”
આ કડક કાર્યવાહી દ્વારા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારા બિલ્ડરોની મનમાની હવે સાંખી લેવામાં આવશે નહીં
