Breaking News: પાટીદાર આંદોલનના ચહેરા હવે ભાજપ માટે કરશે પ્રચાર, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને સોંપાઈ મોટી જવાબદારી

| Updated on: Apr 10, 2026 | 2:50 PM

આ સંદર્ભમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. ખાસ કરીને AAPના પ્રભાવવાળા વિસ્તારોમાં ભાજપનો આધાર મજબૂત બનાવવા માટે તેઓને સક્રિય ભૂમિકા ભજવવાની રહેશે. ધાર્મિક માલવિયાને પ્રબળ દાવેદાર માનવામાં આવતા હોવા છતાં, તેમને મોટી સંગઠનાત્મક જવાબદારી આપવામાં આવી શકે છે, જેના કારણે તેમને ટિકિટ ન મળવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.

સુરત મનપાની આવનારી ચૂંટણીને લઈને પાટીદાર વિસ્તારોમાં રાજકીય સમીકરણો વધુ જટિલ બન્યા છે. એક સમયના પાટીદાર આંદોલનના ચહેરા હવે ભાજપ માટે પ્રચાર કરતા જોવા મળશે, જેને કારણે રાજકારણમાં નવા વળાંકો આવી રહ્યા છે. ભાજપે પાટીદાર વિસ્તારોમાં પોતાનો પ્રભાવ જાળવી રાખવા ખાસ વ્યૂહરચના તૈયાર કરી છે.

પાટીદાર આંદોલનના ચેહરા હવે ભાજપ માટે કરશે પ્રચાર

આ સંદર્ભમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. ખાસ કરીને AAPના પ્રભાવવાળા વિસ્તારોમાં ભાજપનો આધાર મજબૂત બનાવવા માટે તેઓને સક્રિય ભૂમિકા ભજવવાની રહેશે. ધાર્મિક માલવિયાને પ્રબળ દાવેદાર માનવામાં આવતા હોવા છતાં, તેમને મોટી સંગઠનાત્મક જવાબદારી આપવામાં આવી શકે છે, જેના કારણે તેમને ટિકિટ ન મળવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.

મોવડી મંડળે 2062 દાવેદારોનું લિસ્ટ પ્રદેશ સ્તરે પરત મંગાવ્યું

બીજી તરફ, ભાજપમાં ટિકિટ વહેંચણી મુદ્દે ગરમાવો વધ્યો છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં ગૂંચવણ ઉભી થતાં મોવડી મંડળે 2062 દાવેદારોનું લિસ્ટ પ્રદેશ સ્તરે પરત મંગાવ્યું છે. સ્થાનિક નેતાઓ દ્વારા પસંદગીના નામોને આગળ ધપાવવા માટે લોબિંગ થઈ હોવાની ચર્ચાઓ છે, જેના કારણે સંનિષ્ઠ કાર્યકરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

આંતરિક જૂથવાદ પણ પાર્ટી માટે પડકારરૂપ બન્યો છે. ધારાસભ્યો અને સંગઠન વચ્ચેના મતભેદોના કારણે ઉમેદવારોના નામ નક્કી કરવામાં વિલંબ થઈ રહ્યો છે. ખાસ કરીને પાટીદાર વિસ્તારોમાં યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે ભારે ખેંચતાણ ચાલી રહી છે, અને હવે નામો પર પુનઃવિચારણા બાદ જ અંતિમ યાદી જાહેર કરવામાં આવશે.

સંભવિત ઉમેદવારોના નામો સામે આવ્યા

તે વચ્ચે, કેટલીક બેઠકો માટે સંભવિત ઉમેદવારોના નામો સામે આવ્યા છે. દક્ષેશ માવાણી, રાજન પટેલ, વ્રજેશ ઉનડકર, હિમાંશુ રાઉજી, જીતુ કાછડ અને અશોક રાંદેરીને ટિકિટ મળવાની શક્યતા છે. સાથે જ દિનેશ પુરોહિત, હેમાલી બોધવાલા, અમિત રાજપૂત, ઋતા ખેની, દિનેશ જોધાણી અને ડૉ. નરેન્દ્ર પાટીલના નામો પણ મજબૂત દાવેદાર તરીકે ચર્ચામાં છે.

આ પરિસ્થિતિમાં સુરત મનપાની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. પાટીદાર વિસ્તારોમાં ગઢ મજબૂત રાખવા સાથે આંતરિક મતભેદો દૂર કરવાના પડકાર વચ્ચે, પાર્ટી માટે આવનારા દિવસો નિર્ણાયક સાબિત થશે.

Breaking News: સુરત AAPમાં ફરી આંતરિક વિવાદ ! ટિકિટ મળવા છતાં ઉમેદવારે આપ્યુ રાજીનામું, કોંગ્રેસમાં જોડાયા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us