Breaking News: સુરત વકીલ મંડળની સામાન્ય સભામાં હોબાળો, એજન્ડા મંજૂરી વગર બેઠક બરખાસ્ત, Watch Video
સુરતમાં વકીલ મંડળની સામાન્ય સભા દરમિયાન ભારે હોબાળો સર્જાતા આખરે એજન્ડા મંજૂર કર્યા વિના જ સભા બરખાસ્ત કરવાની ફરજ પડી હતી. છેલ્લા બે વર્ષથી વકીલો આ સામાન્ય સભાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓને લઈને મતભેદો સામે આવતા વાતાવરણ ગરમાયું હતું.

મળતી માહિતી મુજબ, સભામાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ ચર્ચા માટે રાખવામાં આવ્યા હતા. જોકે, સભા દરમિયાન કેટલાક સભ્યોએ વિવિધ પ્રશ્નો અને વકીલોને પડતી સમસ્યાઓ ઉઠાવી હતી. ખાસ કરીને મહિલા વકીલો માટે અલગ કમિટીની રચનાની માંગ ઉગ્ર રીતે રજૂ કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે મહિલાઓને વ્યવસાય દરમિયાન અલગ પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે વિશેષ કમિટી જરૂરી છે.
વકીલ વર્તુળમાં ચર્ચા તેજ બની
આ બેઠકમાં વધુ એક મહત્વપૂર્ણ મુદ્દો દસ વર્ષ બાદ લો લાઇબ્રેરીમાં સેક્રેટરી સહિતના વિવિધ હોદ્દાઓ માટે ચૂંટણી યોજવાની જાહેરાત પણ રહ્યો હતો. લાંબા સમય બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાની સંભાવનાને કારણે વકીલ વર્તુળમાં ચર્ચા તેજ બની છે.
કોર્ટ પરિસરમાં જ બે પક્ષો સામસામે આવી જતા પરિસ્થિતિ વધુ તંગ બની
બીજી તરફ નવી કોર્ટ બિલ્ડિંગ માટે કમિટીની રચના અંગે પણ ચર્ચા થઈ હતી, પરંતુ આ મામલે કોઈ અંતિમ નિર્ણય લેવાયો ન હતો. બેઠક દરમિયાન કોર્ટ પરિસરમાં જ બે પક્ષો સામસામે આવી જતા પરિસ્થિતિ વધુ તંગ બની હતી.
આખરે વધતા વિવાદ અને હોબાળાને કારણે સામાન્ય સભા અધૂરી રાખીને બરખાસ્ત કરવામાં આવી હતી. હવે આગામી સમયમાં ફરી બેઠક બોલાવવામાં આવશે કે નહીં તે અંગે વકીલ મંડળ તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે.