Breaking News: હિંમતનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પદયાત્રીઓને અડફેટે લઈ ભાગતી SUV માં લોકોએ કરી તોડફોડ અને આગચંપી, ચક્કાજામ

| Updated on: Sep 21, 2026 | 8:51 PM

સાબરકાંઠાના હિંમતનગર નજીક જાહેરનામાનો ભંગ કરીને પદયાત્રીઓની લેનમાં ઘૂસી ગયેલી બેફામ SUV કારે 12 જેટલા સંઘના પદયાત્રીઓને અડફેટે લેતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત સર્જી ભાગી રહેલા ચાલકને ઝડપી લઈ રોષે ભરાયેલા ટોળાએ હાઈવે પર કેવો ઉગ્ર વિરોધ નોંધાવ્યો?

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક દોલગઢ પાટિયા પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ફોરલેન હાઇવે પર પદયાત્રીઓની સુરક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી અલગ લેન ફાળવવામાં આવી હોવા છતાં, એક બેફામ સ્પીડે આવી રહેલી SUV કાર પ્રતિબંધિત લેનમાં ઘૂસી ગઈ હતી. કારચાલકે માર્ગ પર ચાલી રહેલા સંઘના પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી દીધી હતી, જેના પગલે ઘટનાસ્થળે ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.

12 પદયાત્રીઓ ઇજાગ્રસ્ત, 3 ની હાલત ગંભીર

આ ગોઝારા અકસ્માતમાં કુલ 12 પદયાત્રીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જે પૈકી 3 યાત્રાળુઓની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં સાબરકાંઠાના નાના ચેખલા ગામના 6, પંચમહાલ જિલ્લાના 5 તેમજ ખેડાના કપડવંજ તાલુકાના ઉકેડીના મુવાડા ગામના 1 પદયાત્રીનો સમાવેશ થાય છે.

અકસ્માત સર્જી ભાગતા ચાલકની કારને ટોળાએ સળગાવી

અકસ્માત સર્જ્યા બાદ કારચાલકે પદયાત્રીઓને અડફેટે લઈને ત્યાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દ્રશ્ય જોઈને સ્થાનિકો અને અન્ય પદયાત્રીઓ ભારે રોષે ભરાયા હતા. લોકોએ પીછો કરીને કારને ઝડપી લીધી હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ પહેલાં કારમાં તોડફોડ કરી હતી અને ત્યારબાદ તેને આગ ચાંપી દીધી હતી, જેથી વાહન જોતજોતામાં ભડભડ સળગીને ખાખ થઈ ગયું હતું. લોકોએ હાઇવે પર ચક્કાજામ કરી તંત્ર અને બેફામ વાહનચાલકો સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યા હતા.

અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા પદયાત્રીઓની યાદી:

  • દિલીપકુમાર સજ્જન્સી પટેલ (રહે. રોડરા, પંચમહાલ)
  • મહેશભાઈ મગનભાઈ પટેલ (રહે. નાના ચેખલા)
  • હાર્દિકકુમાર રતિલાલભાઈ સોલંકી (રહે. ઉકેડીના મુવાડા, કપડવંજ)
  • મોહનભાઈ રમણભાઈ વાઘેલા (રહે. નાના ચેખલા)
  • ચેતનાબેન મોહનભાઈ વાઘરી (રહે. નાના ચેખલા)
  • સુનિલભાઈ નગીનભાઈ બારીયા (રહે. કણજી પાણી, જાંબુઘોડા)
  • વક્તુભાઈ ગલબાભાઈ વાઘરી (રહે. નાના ચેખલા)
  • મુકેશકુમાર નટવરભાઈ પટેલ (રહે. દાણોતરા, ગોધરા)
  • રમેશભાઈ ચંદ્રસિંહ પરમાર (રહે. દાણોતરા, ગોધરા)
  • આશાબેન મહેશભાઈ પટેલ (રહે. નાના ચેખલા)
  • રણજીતભાઈ રમેશભાઈ વાઘેલા (રહે. નાના ચેખલા)
  • વિજયભાઈ ધીરુભાઈ પટેલ (રહે. દાણોતરા, ગોધરા)

સાંસદ, ધારાસભ્ય અને ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા

ઘટનાની જાણ થતાં જ સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા અને સ્થાનિક ધારાસભ્ય વી.ડી. ઝાલા તાબડતોબ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઇજાગ્રસ્તોની તબિયત જાણી શ્રેષ્ઠ સારવાર આપવા તબીબોને સૂચના આપી હતી અને તમામ મદદની ખાતરી આપી હતી. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા (SP), DySP અને પ્રાંત અધિકારી સહિતનો પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો હતો અને કાયદો-વ્યવસ્થા જાળવવા તજવીજ હાથ ધરી હતી.

Ahmedabad Breaking: ‘નો કેશ, ઓન્લી UPI’: PVR INOX માં રોકડ લેવાનો ઇનકાર કરાતાં હોબાળો, વકીલે મોકલી લીગલ નોટિસ

Published on: Sep 21, 2026 08:51 PM
Follow Us
Loading...
Unable to load recommendations.