Gujarat Rain Breaking News: વલસાડમાં આભ ફાટ્યુ! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદથી આફત આવી, નદી-નાળા થયા ઓવરફ્લો, જુઓ Video

| Updated on: Jul 22, 2026 | 11:11 AM

વલસાડમાં વરસાદના બીજા રાઉન્ડે ભારે તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નાનાપોંઢામાં પણ 11.02 ઇંચ વરસાદથી વરસાદી સ્થિતિ ગંભીર બની છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડે જોરદાર એન્ટ્રી કરી છે. વલસાડ જિલ્લામાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતા છેલ્લા 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસાવ્યો છે. ભારે વરસાદના કારણે સમગ્ર વલસાડ શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ નોંધાયો

હવામાનની અસરને પગલે વલસાડમાં વરસાદનો જોર સતત વધતો ગયો હતો. એક જ દિવસમાં 15.63 ઇંચ જેટલો વરસાદ નોંધાતા વરસાદી પાણી રસ્તાઓ પર ફરી વળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનવ્યવહારને પણ અસર પહોંચી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે.

નીચાણવાળા વિસ્તારો જળમગ્ન

વલસાડ ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. નાનાપોંઢામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા 11.02 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશવાની સ્થિતિ સર્જાઈ છે.

ખેડૂતની વધતી ચિંતા

વરસાદના કારણે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. જોકે, લાંબા સમય બાદ પડેલા વરસાદથી કેટલાક વિસ્તારોમાં ખેતી માટે ફાયદાની આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ, સતત વરસતા વરસાદને કારણે તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

વલસાડમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરની સામાન્ય ગતિવિધિઓ પર અસર પડી છે. સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને સાવચેત રહેવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં અનાવશ્યક અવરજવર ટાળવાની અપીલ કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગ દ્વારા રેડ અલર્ટની સંભાવના

હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 27 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. નવસારી અને વલસાડમાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ, જ્યારે સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની સંભાવના છે, તો ખેડા, આણંદ અને ભરૂચમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Gujarat Rain Data: રાજ્યભરમાં વરસાદનો ધમાકેદાર બીજો રાઉન્ડ, 24 કલાકમાં 173 તાલુકામાં મેઘમહેર

Published on: Jul 22, 2026 11:11 AM
Follow Us