Breaking News : અમરેલીમાં જમણવારમાં જાનૈયા અને માંડવીયા વચ્ચે રોટલી પીરસવા બાબતે બોલી બઘડાટી, જુઓ Video

| Updated on: Jan 27, 2026 | 9:57 AM

અમરેલીના ધારી તાલુકાના ખીસરી ગામે લગ્નપ્રસંગ દરમિયાન જમણવારમાં રોટલી પીરસવાની બાબતે વિવાદ ઉગ્ર બન્યો. જાનૈયા અને માંડવીયા વચ્ચે મારામારી થતાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા, જેમાંથી બેને ગંભીર હાલતમાં અમરેલી રીફર કરાયા. ઘટનાની તપાસ ધારી પોલીસે શરૂ કરી છે.

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીસરી ગામે એક લગ્નપ્રસંગ દરમિયાન અચાનક ભારે હંગામો સર્જાયો હતો. જમણવાર દરમિયાન રોટલી પીરસવા જેવી નાની બાબતને લઈને વાત વણસતા જાનૈયા અને માંડવીયા પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જે બાદમાં મારામારીમાં ફેરવાઈ ગઈ.

મળતી માહિતી મુજબ, બંને પક્ષના લોકો એકબીજા પર લાકડી અને પાઈપ વડે હુમલો કરતા સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. હિંસા એટલી વધીને ગઈ કે ટોળા પર કાર ચડાવી દેવાનો પણ પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ છે. આ ઘટનામાં બંને પક્ષના મળીને અંદાજે 15 લોકોને ઈજા પહોંચી હતી.

ઈજાગ્રસ્તોમાંથી બે લોકોની હાલત ગંભીર બનતાં તેમને તાત્કાલિક સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતા ધારી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી તપાસ હાથ ધરી છે. પોલીસે બંને પક્ષના નિવેદનો લઈ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. લગ્નપ્રસંગ જે ખુશીના માહોલ માટે યોજાયો હતો, તે જ પ્રસંગ હિંસામાં ફેરવાતા ગામમાં તણાવનો માહોલ સર્જાયો છે.

Breaking News : ખારીકટ કેનાલની કામગીરી ખોરંભે ચઢવા મુદ્દે ધારાસભ્ય બાબુ જમના પટેલે કોને જવાબદાર ઠેરવ્યા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો