Breaking News : વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં, એક સપ્તાહમાં લાખોનો નશીલો પદાર્થ જપ્ત કરી નેટવર્ક તોડ્યું
ભરૂચ SOG ની લાલ આંખ: 'NO DRUGS' અભિયાન હેઠળ સપ્તાહમાં ૩ દરોડા પાડી ગાંજો, મેફેડ્રોન અને વિમલ મુનક્કા વટી સહિત લાખોનો જથ્થો જપ્ત કરી આરોપીઓની ધરપકડ કરી છે.
ભરૂચ જિલ્લામાં નશાના કાળા કારોબાર સામે પોલીસની લાલ આંખ જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘NO DRUGS’ના સંદેશ અને ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’ના રાષ્ટ્રીય સંકલ્પને પગલે ભરૂચ SOG એક્શન મોડમાં આવી છે.
SOGની ટીમે સપ્તાહ દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં ત્રણ દરોડા પાડી નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં ગાંજો, મેફેડ્રોન અને વિમલ મુનક્કા વટી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’ અભિયાન શું છે?
- દેશના યુવાનોને નશાની કુટેવથી મુક્ત કરવાનો રાષ્ટ્રીય સંકલ્પ.
- વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવાનો પ્રયાસ.
- યુવાનો અને સમાજમાં ડ્રગ્સના દુષ્પ્રભાવ અંગે જાગૃતિ ફેલાવવી.
- નશાના ગેરકાયદે વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી.
- પોલીસ, વહીવટીતંત્ર અને સમાજના સહયોગથી નશામુક્ત ભારતનું નિર્માણ.
અંકલેશ્વરમાં વિમલ મુનક્કા વટીનો જથ્થો ઝડપાયો
તા. 3 ઓગસ્ટના રોજ ભરૂચ SOGને મળેલી ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વર રાજપીપળા ચોકડી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. એક્ટિવા મોપેડ પર નશાકારક પદાર્થની ગોળીઓ વેચવા જઈ રહેલા વિશાલખાન નિહાલખાનને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી 3.725 કિલોગ્રામ વિમલ મુનક્કા વટીની ગોળીઓ મળી આવી હતી, જેની કિંમત રૂ.1,86,250 હોવાનું સામે આવ્યું છે. મોપેડ અને મોબાઇલ સહિત કુલ રૂ.2,66,250નો મુદ્દામાલ જપ્ત થયો છે. આ અંગે NDPS Act હેઠળ ગુનો નોંધાયો છે.
GIDCના ફ્લેટમાંથી ગાંજો અને મેફેડ્રોન જપ્ત
તા. 6 ઓગસ્ટે અંકલેશ્વર GIDCના તોરલ એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટ નંબર 301માં SOGએ દરોડો પાડ્યો હતો. અહીંથી વેચાણ માટે રાખેલો 1.045 કિલોગ્રામ ગાંજો અને 12.01 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. બંને નશાકારક પદાર્થોની કુલ કિંમત રૂ.93,280 છે. પોલીસે મોહિતકુમાર રાજેશકુમાર પાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
ઘરમાંથી ગાંજાનું વેચાણ કરતો આરોપી ઝડપાયો
તા. 7 ઓગસ્ટે અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં SOGએ વધુ એક કાર્યવાહી કરી હતી. પોતાના મકાનમાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે અબ્દુલગની ગુલામરસુલ શેખને ઝડપી પાડવામાં આવ્યો હતો. 61 વર્ષીય આરોપી પાસેથી 1.215 કિલોગ્રામ ગાંજો, જેની કિંમત રૂ.60,750 છે, મળી આવ્યો હતો. આરોપી અગાઉ પણ NDPSના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસે જણાવ્યું છે.
ડ્રગ્સ નેટવર્ક સામે SOGની કડક કાર્યવાહી
ભરૂચ SOGની ત્રણ અલગ-અલગ કાર્યવાહીએ જિલ્લામાં નશાના ગેરકાયદે નેટવર્ક સામે પોલીસની સતર્કતા સ્પષ્ટ કરી છે. પોલીસની આ કાર્યવાહીથી નશીલા પદાર્થોના વેચાણકારો અને હેરાફેરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. ‘નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે ભરૂચ પોલીસની આ કામગીરી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો, બ્રાન્ડેડ નામે બનાવટી ઘીનું ઉત્પાદન, ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો પર્દાફાશ
