
અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ આજકાલ માત્ર પુલ નથી રહ્યો એક ખુલ્લી ચેતવણી બની ગયો છે. વિશાલા-પિરાણા રોડ પરનો આ મહત્વપૂર્ણ બ્રિજ આગામી 11 મહિના માટે ભારે અને મધ્યમ વાહનો માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કારણ સ્પષ્ટ છે: બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત હાલતમાં છે અને મરામત વિના વાહનવ્યવહાર જીવલેણ સાબિત થઈ શકે.
8 જાન્યુઆરી 2027 સુધી ચાલનારા આ સમારકામ દરમિયાન નાના અને દ્વિચક્રી વાહનોને છૂટ આપવામાં આવી છે, જેથી સ્થાનિક નાગરિકોને સંપૂર્ણ અગવડ ન પડે. નિયમો સાથે પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા ગોઠવાઈ છે. કાગળ પર બધું વ્યવસ્થિત લાગે છે, પરંતુ જમીન પર દ્રશ્ય કંઈક જુદું જ બોલે છે.
હકીકતમાં તો શાસ્ત્રી બ્રિજ પર હજુ પણ ભારે ટ્રક, બસો અને માલવાહક વાહનો નિર્ભયતાથી પસાર થઈ રહ્યા છે. જર્જરિત પુલ પરથી થતી આ અવરજવર માત્ર નિયમભંગ નથી, પરંતુ ખુલ્લેઆમ જોખમને આમંત્રણ છે. અનેક વખત પોલીસની ગેરહાજરીમાં આવા વાહનો પસાર થતાં જોવા મળે છે, જેનાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સતત મંડરાઈ રહી છે.
ભારે વાહનચાલકોને સરળ અવરજવર મળે તે માટે ટ્રાફિક ડાયવર્ઝન પણ જાહેર કરવામાં આવ્યા છે. લાંભાથી જશોદાનગર થઈ પીરાણા તરફ આવતાં વાહનોએ પીરાણા જંકશનથી ડમ્પિંગ સાઈટ, બહેરામપુરા, આંબેડકર બ્રિજ અને અંજલી ચાર રસ્તા મારફતે વાસણા-વિશાલા તરફ જવાનું રહેશે. સરખેજ-જુહાપુરાથી આવતાં વાહનો માટે પણ વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે.
નિયમો સ્પષ્ટ છે, રસ્તા ઉપલબ્ધ છે પછી બેફિકર ડ્રાઈવિંગ કેમ? શાસ્ત્રી બ્રિજ પર લાગેલી “બંધ”ની સૂચના માત્ર બોર્ડ સુધી સીમિત ન રહે એ જરૂરી છે. એક ક્ષણની બેદરકારી અનેક જીવ માટે ખતરો બની શકે છે. હવે સમય આવી ગયો છે કે તંત્ર કડક અમલ કરે અને વાહનચાલકો જવાબદારી સમજે. કારણ કે પુલ માત્ર વાહનોને નહીં પરંતુ વિશ્વાસને પણ ટેકો આપે છે અને એ વિશ્વાસ તૂટે, એ પહેલા જ સાવચેત થવું આવશ્યક છે.
Input Credit : Mihir Soni
જ્યાં સંબંધો હાર્યા અને કાગળ જીત્યા, રાજોડની રડાવી દેતી ઘટના, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો