AMC ના આરોગ્ય વિભાગે ગત સપ્તાહે જણાવ્યું હતું કે, પાર્ટી પ્લોટથી લઈને સોસાયટીઓ સુધીના ગરબાના આયોજનોમાં અખાદ્ય વસ્તુઓ વેચાશે તો વિક્રેતા કે કેટરર્સની સાથે આયોજકો અને કમિટીની પણ જવાબદારી નક્કી કરી પગલાં લેવાશે. દરમિયાનમાં ફૂડ વિભાગે નવરાત્રિના આયોજનોના તમામ ફૂડ સ્ટોલ માટે FSSAI નું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. એમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એક જ વિક્રેતા દ્વારા જુદા જુદા સ્ટોલ રાખવામાં આવે તો દરેક માટે અલગથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એક વિક્રેતા એક થી વધારે સ્ટોલ એક રજિસ્ટ્રેશન પર ચલાવી નહીં શકે.
અમદાવાદમાં નવરાત્રિના 80 થી વધુ નાના-મોટા કમર્શિયલ આયોજનો થાય છે. આ ઉપરાંત મોટી સોસાયટીઓ દ્વારા પણ મોટાપાયે રાસ-ગરબા યોજાય છે. જેમાં ઉભા કરવામાં આવતા તમામ ફૂડ સ્ટોલ માટે એફએસએસએઆઈનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવા સાથે ચીમકી પણ અપાઈ છે કે જો રજિસ્ટ્રેશન નહીં થયું હોય તો સિલ કરવામાં આવશે. સાથે જ આયોજકોને પણ અપીલ કરાઈ છે કે રજિસ્ટ્રેશન વગરના ને સ્ટોલ ના ફાળવવા.
આ નિયમનું પાલન કરાવવા ફૂડ વિભાગ આયોજનોમાં ચેકીંગ પણ કરશે. તો બીજી તરફ આયોજકો પણ વિભાગની સુચનનું પાલન કરવા મક્કમ જોવા મળી રહ્યા છે. નવરાત્રીમાં મોડી રાત્રે ગરબામાં અમદાવાદીઓ નાસ્તાની મોજ માણતા હોય છે. જે સ્વસ્થ અને આરોગ્યપ્રદ રહે એની તકેદારી રાખતા મનપાએ પૂર્વ તૈયારીઓ કરી દીધી છે.
Published On - 2:45 pm, Sat, 10 October 26