Breaking News : જીગરદાન ગઢવીના ગરબામાં બબાલ,પરવાનગીના અભાવે ખેલૈયાઓએ કરી તોડફોડ જુઓ વીડિયો
પહેલા નોરતે મંજૂરી વગર ગરબાનું આયોજન થતાં અનેક સવાલ ઉભા થયા હતા.જેને પગલે તંત્રએ સાંચી ગરબાને નોટિસ ફટકારી હતી.બીજા નોરતે માત્ર ફાયર વિભાગની મંજૂરી મળી હતી પરંતુ પોલીસ વિભાગ તરફથી મંજૂરી ન મળતા કાર્યક્રમ બંધ રહ્યો હતો.જો કે આજે ત્રીજા નોરતે પાલીસની પણ મંજૂરી મળી જતા કાર્યક્રમ શરૂ રહેશે.
અમદાવાદમાં જીગરદાન ગઢવી દ્વારા આયોજિત સાંચી ગરબા કાર્યક્રમ વિવાદમાં ઘેરાયો છે. મોડી રાત્રે ખેલૈયાઓને ગરબા સ્થળે પ્રવેશ ન મળતા ભારે હોબાળો થયો હતો. પ્રવેશ ન મળવાને કારણે રોષે ભરાયેલા ખેલૈયાઓએ સુરક્ષાકર્મીઓ સાથે ઘર્ષણ કર્યું હતું અને ડોમ તેમજ સ્થળ પર લગાવેલા પોસ્ટરોમાં તોડફોડ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં ખેલૈયાઓનો આક્રોશ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
જીગરદાન ગઢવી વિવાદમાં
આ સમગ્ર બબાલનું મૂળ કારણ ગરબા આયોજકો દ્વારા જરૂરી સરકારી મંજૂરીઓનો અભાવ હતો. નવરાત્રી ગરબા શરૂ થાય તે પહેલાં આયોજકોએ અનેક પરવાનગીઓ લેવી પડે છે. જેમાં મુખ્યત્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પરમિશન, ફાયર વિભાગનું NOC અને ગરબા સ્થળના સ્ટ્રક્ચરની મજબૂતાઈ માટે આરએનબી (રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ) વિભાગનું NOC સામેલ છે. આ તમામ NOC મળ્યા બાદ પોલીસને સુપરત કરવામાં આવે છે, જેના આધારે પોલીસ દ્વારા આખરી પરમિશન આપવામાં આવે છે. જોકે, સાંચી ગરબાના આયોજકો આ તમામ સર્ટિફિકેટ પોલીસમાં સબમિટ કરી શક્યા ન હતા, જેના કારણે પોલીસ દ્વારા તેમને NOC આપવામાં આવી ન હતી.
મંજૂરી વગરના ગરબા બંધ
સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ, ગઈકાલે સાંજે ફાયર NOC મળી ગઈ હતી, પરંતુ સ્ટ્રક્ચર સંબંધિત NOC બાકી હોઈ શકે છે. આ જ કારણોસર પોલીસ દ્વારા ગરબા આયોજિત કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. અમદાવાદમાં આવા અસંખ્ય ગરબા આયોજનોને પરવાનગીના અભાવે બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી, અને સાંચી ગરબા પણ તેનો જ એક ભાગ હતો. પોલીસ દ્વારા મંજૂરી વગરના ગરબા બંધ કરાવવામાં આવ્યા હતા.
ખેલૈયાઓ, જેમણે મોંઘા પાસ ખરીદ્યા હતા અને છેલ્લા બે દિવસથી ગરબા રમી શક્યા ન હતા, તેઓ આ ઘટનાથી ભારે નારાજ હતા. તેમણે આયોજકો પાસેથી રિફંડની માંગ કરી હતી. મામલો વધુ ન વણસે તે માટે આયોજકો દ્વારા રિફંડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, અત્યાર સુધી રિફંડ અંગે કોઈ સત્તાવાર ઘોષણા કે કાર્યવાહી કરવામાં આવી નથી. ખેલૈયાઓ ચિંતિત છે કે તેમના પૈસા પાણીમાં ગયા છે અને તેમને રિફંડ મળશે કે કેમ તે અનિશ્ચિત છે.
આ ઘટના દર્શાવે છે કે ગરબા આયોજકોએ સમયસર તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવી કેટલી આવશ્યક છે. પરવાનગીના અભાવે માત્ર આયોજકોને જ નહીં, પરંતુ ઉત્સાહભેર ગરબા રમવા આવેલા ખેલૈયાઓને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે. હવે જોવું રહ્યું કે આયોજકો રિફંડ બાબતે શું નિર્ણય લે છે અને ખેલૈયાઓને ક્યારે ન્યાય મળે છે.